જામનગર જિલ્લા ની ત્રણ નગર પાલિકા ની સામાન્ય ચૂંટણીની મત ગણતરી નો તખ્તો તૈયાર
-
જામજોધપુર માં ૫૮.૧૨ ટકા : ધ્રોલ માં ૬૮.૦૫ ટકા અને કાલાવડ માં ૬૩.૧૬ ટકા મતદાન થયુ હતું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૫ , જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં રવિવારે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં સરેરાશ ૬૩ ટકા જેટલું મતદાન થયું હતું. આ સાથે જ તાલુકા પંચાયત ની જામ વણથલી બેઠક ની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં સરેરાશ ૪૩.૯૪ ટકા મતદાન થયું હતું. હવે મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. રાજ્ય ભર મા અનેક નગરપાલિકાઓ ની સામાન્ય ચૂંટણી તેમજ પંચાયત ની અમુક બેઠક ની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં જામનગર જિલ્લા ની પણ ત્રણ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયત ની એક બેઠક ની પેટા ચૂંટણી યોજાઈ હતી.જામજોધપુર નગરપાલિકા ની સાત વોર્ડ ની ૨૮ બેઠક માટે યોજાયેલી ચૂંટણી માં રવિવારે ૫૮.૧૨ ટકા જેટલું મતદાન થયું હતું.ધ્રોલ નગરપાલિકા ની સાત વોર્ડ ની ૨૪ બેઠકો માટે ની ચૂંટણી માં ૬૮.૦૫ ટકા મતદાન નોંધાયું હતું.જ્યારે કાલાવડ નગરપાલિકામાં સાત વોર્ડ ની ૨૭ બેઠકો માટે ચૂંટણી થવા પામી હતી. જેમાં ૬૩.૧૬ ટકા ટકા મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત જામનગરતાલુકા પંચાયત ની જામવંથલી ની બેઠક ની પેટા ચૂંટણી યોજાઈ હતી .જેમાં ૪૩.૯૫ ટકા મતદાન થયું હતું.
હવે આજે મંગળવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં ધ્રોલ નગરપાલિકાની મતગણતરી પ્રાંત કચેરી ધ્રોલ માં , જામજોધપુર નગરપાલિકાની મત ગણતરી એવીડીએસ કોલેજ જામજોધપુર માં તથા કાલાવડ નગરપાલિકાની મત ગણતરી મ્યુનિસિપલ હાઇસ્કુલ કાલાવડ માં થનાર છે. જ્યારે જામનગર તાલુકા પંચાયત ની જામ વણથલી ની એક બેઠક માટે ની યોજાયેલી પેટા ચૂંટણી ની મતગણતરી મહેસુલ સેવાસદન જામનગર માં થશે.સવારે ૯ વાગ્યે આ ત્રણે સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરીનો પ્રારંભ થશે અને બપોર સુધીમાં પરિણામો જાહેર થવાની શક્યતા છે.