જામનગર જિલ્લાની ધ્રોળ કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા ની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોની ચકાસણીને કાર્યવાહી પૂર્ણ કરાઇ
- ધ્રોલમાં ૩૫, કાલાવડમાં ૩૧ અને જામજોધપુર નગરપાલિકા માં ૩૦ સહિત કુલ ૯૬ ઉમેદવારીપત્રો રદ થયા
- જામજોધપુરમાં આપના ઉમેદવાર ના મેન્ડેટ અને કોંગ્રેસના મેન્ડેટના અભાવે બે ઉમેદવારોએ તક ગુમાવી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ ફેબ્રુઆરી ૨૫, જામનગર જિલ્લામાં ધ્રોળ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચુંટણી માટે કુલ ૩૩૧ ઉમેદવારીપત્રો ભરાયા બાદ તા.૩ના સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી વેળાએ ભાજપાએ ડમી તરીકે રજુ કરેલા ૧૯૪ પૈકીના અમુક તથા જામજોધપુરમાં કોંગ્રેસ અને આપના મેન્ડેટ વગરના બે મળીને કુલ ૯૬ ઉમેદવારીપત્રો ટેકનિકલ કારણોસર રદ થતાં ૨૩૫ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે. હવે આજે તા.૪ની બપોર સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ ચુંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે.
જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપાના ૨૮ બેઠકોના ૨૮ ડમીઓ સહિત ૫૯. કોંગ્રેસના ૨૮, આપના ૧૯, બસપાના ૯, એનસીપીના ૧ તથા અપક્ષ તરીકે ૧૫ ઉમેદવારોના ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાંથી ભાજપાના ડમી અને અન્ય ૩ ઉમેદવારોના મળીને કુલ ૩૫ ઉમેદવારીપત્રો રદ થતાં ૮૭ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે.
જ્યારે કાલાવડમાં ભાજપાના કુલ ૫૨, કોંગ્રેસના ૩૪ તથા આપના ૧૩ મળીને કુલ નોંધાયેલા ૯૯ ઉમેદવારીપત્રોમાંથી ભાજપાના અમુક ડમી સહિત કુલ ૩૧ ફોર્મ રદ થતાં ૬૮ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે. જ્યારે જામજોધપુરમાં ભાજપાના ૨૮ ડમી, કોંગ્રેસના મેન્ડેટના અભાવે શ્રેયાબેન ઘરસંડીયા તથા આપના મેન્ડેટના અભાવે મનોજ જગદીશભાઈનું એમ કુલ ૩૦ ઉમેદવારીપત્રો રદ થયા હતા. તેથી હવે જામજોધપુર માં ૮૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આજે તા.૪ના રોજ ઉમેદવારી પાછી ખેંચવાની મુદત પુરી થતા સુધીમાં કેટલા ઉમેદવારો ની ઉમેદવારી પાછી ખેંચાય છે. તે સામે આવ્યા બાદ ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે.