જામનગર શહેર -હાપા અને કાલાવડમાં જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં એક બાળકી અને યુવાન સહિત બે ના મૃત્યુ: જ્યારે એક બાળકી સહિત બેને ઈજા
-
જામનગર નજીક હાપા વિસ્તારમાં માસુમ બાળકી પર લોડર મશીન નું તોતિંગ વ્હીલ ફરી વળતાં ચગદાઈ જવાથી કમ કમાટી ભર્યું મૃત્યુ
-
કાલાવડ નજીક વાવડી ગામ પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઇક ચાલક ખેડૂત યુવાનનો ભોગ લેવાયો
-
જામનગરમાં લાખોટા તળાવની પાળે થાર જીપની ઠોકરે એક બાળકી તથા એક યુવાનને ગંભીર ઇજા થવાથી સારવાર માટે ખસેડાયા
દેશ દેવી ન્યઝ જામનગર તા ૨૭ જાન્યુઆરી ૨૫, જામનગર શહેર અને કાલાવડમાં જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં એક બાળકી સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે એક બાળકી સહિત બે વ્યક્તિને ઈજા થઈ છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર નજીક હાપા વિસ્તારમાં બન્યો હતો. જ્યાં માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા મનીષભાઈ તોલિયા ભાઈ ભાભોર નામના મધ્યપ્રદેશના પરપ્રાંતિય શ્રમિક યુવાનની દોઢ વર્ષની પુત્રી કારીબેન ઝુપડાની બહાર રમતી હતી, જે દરમિયાન જી. જે. ૧૦ એ. એમ. ૨૪૦૦ નંબરના લોડર મશીન ના ચાલકે બાળકીને હડફેટેમાં લઈ કચડી નાખતાં તેણીનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. લોડર મશીન ના તોતિંગ વ્હીલ ની નીચે બાળકીનું માથું ચગદાઈ જતાં ભારે કરુણ દ્રશ્ય સર્જાયા હતા. આ અકસ્માતના બનાવ અંગે મૃતક બાળકી ના પિતા મનીષભાઈ ભાભોરે લોડર મશીનના ચાલક રાજુ નીનામા સામે ફરિયાદ નોંધાવતાં સિટી એ. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માત નો બીજો બનાવ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બન્યો હતો. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિજયભાઈ છગનભાઈ મેનપરા નામના ૪૨ વર્ષના ખેડૂત યુવાન ગઈકાલે વાડીએથી પોતા ના જી.જે. ૧૦ બી.એચ. ૧૫૫૭ નંબરના બાઈકમાં બેસીને ઘર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં કોઈ અજાણ્યા વાહન ના ચાલકે તેઓને હડફેટમાં લઈ ઠોકરે ચડાવતાં માથા ના ભાગે ગંભીર ઇજા થવાથી તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવ અંગે વિજયભાઈ ના નાના ભાઈ તુલસીભાઈ છગનભાઈ મેનપરાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માત નો ત્રીજો બનાવ જામનગરમાં લાખોટા તળાવની પાળે બન્યો હતો. જામનગરના શંકર ટેકરી નહેરુનગરમાં રહેતા અને કડિયા કામ કરતા તુલસીભાઈ મોહનભાઈ ગોહિલ પોતાના બાઈકમાં પત્ની પ્રેમીલાબેન તેમજ ભત્રીજી નિરાલી ઉ.વ. ૮)ને બેસાડીને નાસ્તો કરવા માટે જઈ રહ્યા હતા.
જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે -૩ પી.એ. ૫૪૪૪ નંબરની થાર જીપના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં તુલસીભાઈ તેમજ તેઓની ભત્રીજી નિરાલીબેન ને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે જીપ ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.