જામનગર ગેંગરેપના મુખ્ય આરોપી સામે જમીન દબાણ અંગે ગુન્હો નોંધાયો

0
1

જામનગરના ચકચારી ગેંગરેપના મુખ્ય આરોપી અને તેના સાગરીત સામે જમીન દબાણ અંગે ગુન્હો નોંધાયો

  • મોટા થાવરીયા ગામની સરકારી ખરાબાની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી આલીશાન ફાર્મ હાઉસ ખડકી દેવાયું હતું

  • જામનગરના જિલ્લા ના એસ.પી. એ ખુદ હાજર રહી ગેરકાયદે ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવી દેવડાવતાં ગૃહ રાજ્ય મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ ડીસેમ્બર ૨૪, ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા તાજેતરમાં જ જાહેરમાં ગુજરાતની બહેન દીકરીઓને ન્યાય આપવા માટે જામનગરના ચકચારી ગેંગરેપના આરોપીના ફાર્મ હાઉસ બુલડોઝર ફેરવાવી દેવડાવનાર જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને અભિનંદન પાઠવ્યા હતા, જે પ્રકરણમાં મુખ્ય આરોપી અને તેના સાગરીત સામે મોટા થાવરીયા ગામની સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં ગેંગરેપ નો એક ગુનો નોધવામાં આવ્યો હતો, જે કેસના મુખ્ય સૂત્રધાર એવા આરોપી હુસેન ગુલમામદ શેખ સામે ડ્રગ્સ હથિયાર અને જમીન દબાણ સહિતના સાત જેટલા ગુના નોંધાયેલા છે, જે પૈકીના જમીન દબાણના કેસમાં મોટા થાવરીયા ગામમાં ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા ફાર્મહાઉસ પર ૩ દિવસ પહેલાં તંત્ર એ બુલડોઝર ફેરવી દીધું હતું. આ વેળાએ ખુદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ વિશાળ પોલીસ કાફલા સાથે હાજર રહ્યા હતા અને ગેરકાયદે ફાર્મ હાઉસ વાળી મોટી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.

જામનગર ગ્રામ્ય તાલુકાના પંચ એ. પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા થાવરીયા ગામે ગૌચર જમીન સર્વે નં. જૂના ૪૦૦/પૈકી ૨૬ જેના નવા સર્વે નં. ૮૭૩ આવેલી છે, જેના દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખ અને તેના સાગરીત અફઝલ સીદીક જુણેજા, કે જેણે ૧૧ વીધા (ચો.મી. આશરે – ૧૮૪૫૮) જમીનમાં ‘ અશદ ફાર્મ હાઉસ ‘ તથા તાર ફેન્સિંગ કરી દબાણ ઉભું કર્યું હતું.

આ દબાણકર્તા પૈકી ના મુખ્ય સૂત્રધાર હુશેન ગુલમામદ શેખ વિરૂધ્ધ હાલમાં જ નવેમ્બર – ૨૦૨૪ માં સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામુહિક બળાત્કાર તથા આજદિન સુધી પંચ એ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ., બળાત્કાર, આર્મ્સ એક્ટ તથા પ્રોહીબિશન એક્ટ સહિત કુલ – ૦૭ ગુના દાખલ થયેલા છે.

જે આરોપી સામે આજે વહીવટી તંત્ર દ્વારા આકરું પગલું ભરવામાં આવ્યું હતું, અને તેણે જે જગ્યામાં દબાણ કર્યું હતું. તે સરકારી ખરાબાની ગોચરની જમીન પચાવી પાડવાના બદ ઇરાદે અને ગુન્હાહિત કાવતરું રચી વેચાણ કરનારને સાચા તરીકે ઉપયોગ કરી મોટા થાવરીયા ગ્રામ પંચાયત પાસેથી મકાનવેરા પહોંચ મેળવી લઇ ખોટા વેચાણ કરારનો ખરા તરીકે ઉપયોગ કરવા અંગે પોલીસે ipc કલમ ૧૨૦(બી),૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮,૪૭૧ મુજબ નો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે મામલે પંચકોશી એ. ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.