જામનગરમાં ગેંગરેપના આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવાયું

0
4193

જામનગરના ચકચારી ગેંગરેપના મુખ્ય આરોપી દ્વારા મોટા થાવરીયા ગામમાં ખડકી દેવાયેલા ગેરકાયદે ફાર્મ હાઉસ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું

  • જામનગરના જિલ્લા પોલીસવડા ખુદ ડિમોલેશન સમયે મોટા થાવરીયા ગામના સ્થળે વિશાળ પોલીસ કાફલા સાથે હાજર રહ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ ડિસેમ્બર ૨૪, જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં ગેંગરેપ નો એક ગુનો નોધવામાં આવ્યો હતો, જે કેસના મુખ્ય સૂત્રધાર એવા આરોપી હુસેન ગુલમામદ શેખ સામે ડ્રગ્સ હથિયાર અને જમીન દબાણ સહિતના સાત જેટલા ગુના નોંધાયેલા છે, જે પૈકીના જમીન દબાણના કેસમાં મોટા થાવરીયા ગામમાં ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા ફાર્મહાઉસ પર આજે તંત્ર એ બુલડોઝર ફેરવી દીધું હતું. આ વેળાએ ખુદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ વિશાળ પોલીસ કાફલા સાથે હાજર રહ્યા હતા અને ગેરકાયદે ફાર્મ હાઉસ વાળી મોટી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.જામનગર ગ્રામ્ય તાલુકાના પંચ એ. પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા થાવરીયા ગામે ગૌચર જમીન સર્વે નં. જૂના ૪૦૦/પૈકી ૨૬ જેના નવા સર્વે નં. ૮૭૩ આવેલી છે, જેના દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખ કે જેણે ૧૧ વીધા (ચો.મી. આશરે – ૧૮૪૫૮) જમીનમાં ‘ અશદ ફાર્મ હાઉસ ‘ તથા તાર ફેન્સિંગ કરી દબાણ ઉભું કર્યું છે.

આ દબાણકર્તા હુશેન ગુલમામદ શેખ વિરૂધ્ધ હાલમાં જ નવેમ્બર – ૨૦૨૪ માં સિટી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામુહિક બળાત્કાર તથા આજદિન સુધી પંચ એ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ., બળાત્કાર, આર્મ્સ એક્ટ તથા પ્રોહીબિશન એક્ટ સહિત કુલ – ૦૭ ગુના દાખલ થયેલા છે.જે આરોપી સામે આજે વહીવટી તંત્ર દ્વારા આકરું પગલું ભરવામાં આવ્યું હતું, અને તેણે જે જગ્યામાં દબાણ કર્યું હતું. ત્યાં મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી, અને જગ્યા ખુલ્લી કરાવાઈ છે.