જામનગરના સિદી બાદશાહ સમાજનો ઝઘડો પોલીસ મથકમાં પહોંચ્યો : પરિવારના 4 સભ્યો સામે ફરિયાદ

0
4520

જામનગરના સિદી બાદશાહ સમાજમાં ઝઘડાનો મામલો આખરે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો

  • નવા પ્રમુખ દ્વારા પૂર્વ હોદ્દેદાર અને પરિવારના ૪ સભ્યો સામે ઓફિસમાં બળજબરીપૂર્વક પ્રવેશ અંગે ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ નવેમ્બર ૨૪, જામનગરમાં સીદી બાદશાહ સમાજ ના વર્તમાન પ્રમુખ અને પૂર્વ હોદ્દેદાર વચ્ચે ઝઘડો થયો હતો, અને સિદી સમાજની ઓફિસમાં ધમાલ મચાવાઇ હતી, આખરે આ મામલો સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે, અને સીદી બાદશાહ સમાજના નવા પ્રમુખ દ્વારા પૂર્વ હોદેદાર અને તેના પરિવારના સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા સિદી સમાજના વર્તમાન પ્રમુખ ઈકબાલભાઈ પીરભાઈ કોન્ટ્રાક્ટર કે જેમણે પોતાના સમાજની ઓફિસમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરી તાળા વગેરે તોડી નાખી નુકસાની અને હંગામો કરવા અંગે પૂર્વ હોદેદાર એવા અખ્તર ઈસ્માઈલભાઈ વાંગીડા બાદશાહ ઉપરાંત તેના પત્ની અને તેનો પુત્ર ફરદિન અખ્તર તથા પુત્રવધુ નમીરાબેન સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પોતે નવનિયુક્ત સિદી સમાજના પ્રમુખ તરીકે નીમાયા છે, અને આરોપી અખ્તર સ્માઈલભાઈ પાસે સમાજની ઓફિસની ચાવી તથા હિસાબ વગેરેની માંગણી કરતાં તેણે આપ્યા ન હતા. જેથી નવી ટીમ દ્વારા સમાજની ઓફિસે તાળું મારી દેવાયું હતું, જે તાળું આરોપી અને તેના પરિવારજનો દ્વારા તોડી નાખી અંદર ગેરકાયદે પ્રવેશ કરાયો હતો, અને હંગામો મચાવાયો હતો.

આખરે આ મામલો પોલીસ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને તમામ સામે ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર મામલે પી.એસ.આઇ આર.પી.અસારી વધુ તપાસ ચલાવી રહ્યા છે.