દ્વારકા પંથકમાં વિજટીમો ત્રાટકી : હોટલમાંથી ૧૭ લાખની વીજચોરી ઝડપાઈ

0
734

દ્વારકા ટાઉનમાં વીજ ચેકિંગ દરમિયાન નાગેશ્વર રોડ પર એક હોટલમાંથી રૂપિયા ૧૭ લાખની વીજ ચોરી પકડાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ નવેમ્બર ૨૪, પીજીવીસીએલ દ્વારા ગઈકાલે રવિવારના દિવસે દ્વારકા ટાઉનમાં આવેલી એક હોટલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે ચેકિંગ દરમિયાન એક હોટલ સંચાલક દ્વારા વિજ થાંભલા માંથી ડાયરેક્ટ વિજ જોડાણ મેળવીને મોટાપાયે વિજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતાં વિજ તંત્ર દ્વારા રૂપિયા ૧૭ લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે, જેની સામે વિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે, જ્યારે કંપાઉન્ડિંગ ચાર્જની રૂપિયા દોઢ લાખની વધારાની રકમ ભરપાઈ કરવા પણ વિજતંત્ર દ્વારા એસેસમેન્ટ કરાયું છે.

વિજ વિભાગ ની આ કાર્યવાહી અંગેની વિગતો એવી છે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગઈકાલે રવિવારે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં દ્વારકા ટાઉનમાં નાગેશ્વર રોડ પર ખોડીયાર મંડપ સર્વિસ ની બાજુમાં આવેલી હોટલ ખોડીયાર ભવન માં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

પીજીવીસીએલના નાયબ ઇજનેર દીપેશભાઇ અરિલા અને તેઓની સાથેની ટુકડી દ્વારા ચેકિંગ કરવામાં આવતાં હોટલ સંચાલક ભુટાભા બબાભા સુમણીયા દ્વારા પોતાના ધંધાના સ્થળની બાજુમાંથી પસાર થતાં હળવા દબાણના વીજ પોલમાંથી ગેરકાયદે રીતે વીજ જોડાણ મેળવીને ૨૦ મીટર જેટલો સર્વિસ વાયર ખેંચી લીધો હતો, અને તેના દ્વારા વિજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.આથી વિજ ટુકડી દ્વારા સમગ્ર કાર્યવાહીનું વિડીયો રેકોર્ડિંગ કરાયું હતું, જ્યારે પંચો વગેરેની રૂબરૂમાં લંગરીયું વીજ જોડાણ, જેનો ૨૦ મીટર વિજ વાયર, વિજ મીટર વગેરે ઉતારી લેવામાં આવ્યા હતા, અને હોટેલ સંચાલક ભુટાભા બબાભા સુમણીયા સામે વીજ પોલીસ મથકમાં વીજ ચોરી અંગેનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

ઉપરાંત હોટલ સંચાલકને રૂપિયા ૧૭,૦૦,૨૪૫.૮૨ નું વીજ ચોરીનું પુરવણી બિલ ફટકારવામાં આવ્યું હતું, ઉપરાંત કંપાઉન્ડિંગ ચાર્જની રૂપિયા દોઢ લાખની રકમ અલગથી ભરવા માટેનું પણ એસેસમેન્ટ કર્યું હતું. આ કાર્યવાહીથી દેવભૂમિ દ્વારકામાં અને ખાસ કરીને હોટલ સંચાલકોમાં ભારે દોડધામ થઈ ગઈ હતી.