જામનગર : મોટા ખડબા ગામે બે ખેડૂત નદીમાં તણાયા

0
3203

લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સસોઈ નદીમાં બે ખેડૂત તણાયા: એક પ્રૌઢનો મૃતદેહ સાંપડ્યો: અન્ય એકની શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ સપ્ટેમ્બર ૨૪ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સસોઈ નદીમાં શનિવારે મોડી સાંજે બે ખેડૂત તણાયા હતા. જે પૈકી એક ખેડૂત પ્રૌઢ નો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજા ખેડૂત યુવાનનની શોધખોળ ચલાવાઇ રહી છે. આ બનાવને લઈને મોટા ખડબા ગામ શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા છોટુભા મનુભા જાડેજા (૫૫) તેમજ તેના પાડોશી લાલુભા મહિપતસિંહ જાડેજા (ઉંમર વર્ષ ૨૭) કે જેઓ બંને ખેતી કામ પૂર્ણ કરીને પોતાના ઘેર પગપાળા ચાલીને પરત ફરી રહ્યા હતા અને લાલપુરની સસોઈ નદી ઓળંગી રહ્યા હતા.

જે દરમિયાન એકાએક નદીનો ધસમસતો પ્રવાહ પસાર કરવા જતાં બંને તણાયા હતા. જે બનાવની જાણ થતા અન્ય લોકોએ બુમાબૂમ કરી હતી. દરમિયાન કાલાવડ અને જામનગર ફાયર બ્રિગેડની ટીમ બનાવના સ્થળે આવી પહોંચી હતી, જ્યારે કેટલાક તરવૈયાઓ પણ તેઓને શોધવા માટે મદદમાં જોડાયા હતા. દરમિયાન છોટુભા જાડેજા નો મૃતદેહ હાથ લાગ્યો હતો, ત્યારે લાલુભા જાડેજા નદીના પાણીમાં લાપતા બન્યા હોવાથી તેઓની ફાયર બ્રિગેડની ટુકડી દ્વારા શોધ ચલાવવા આવી રહી છે.

આ બનાવની જાણ થવાથી લાલપુરની પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.