કરુણા જનક કિસ્સો : માતા પુત્ર એ સજોડે ઝેરી દવા પી લઇ આપઘાત કર્યો

0
3273

કાલાવડ તાલુકાના લલોઈ ગામનો કરુણા જનક કિસ્સો: માતા પુત્ર એ સજોડે ઝેરી દવા પી લઇ આપઘાત કર્યો

  • પતિ સાથે જમવા બાબતે ઝઘડો થયા પછી દસ વર્ષના પુત્રને લઈને માતા એ વાડી વિસ્તારમાં જઈ બન્નેએ ઝેર પી લેતાં મૃત્યુ નીપજ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ સપ્ટેમ્બર ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લલોઈ ગામમાં ભારે કરુણા જનક કિસ્સો બન્યો છે, અને એક દેવીપુજક મહિલાએ પોતાના પતિ સાથે જમવા બાબતે ઝઘડો થતાં દસ વર્ષના પુત્રને સાથે રાખીને ઘેરથી નીકળી ગયા પછી વાડી વિસ્તારમાં માતા પુત્ર એ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેતાં ભારેચાર જાગી છે. સમગ્ર મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના લલોઈ ગામમાં રહેતી અને ખેતી કામ કરતી હર્ષિદાબેન મેરૂભાઈ સાડમિયા અને તેનો ૧૦ વર્ષનો પુત્ર મયુર મેરૂભાઈ કે જે બંનેએ ગઈકાલે બપોરે ૪.૦૦ વાગ્યાના અરસામાં વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બંને બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા. તેઓને કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બન્નેના મૃત્યુ નીપજ્યા હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ માંમલે પોલીસને જાણ કરાતાં કાલાવડના પોલીસ કોન્સ્ટેબલ એન. કે. છૈયા ઘટના સ્થળે તેમજ કાલાવડ ની સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા, અને બંને મૃતદેહોનો કબજો સંભાળ્યા પછી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયા હતા.

પોલીસની પ્રાથમિક પૂછ પરછ દરમિયાન ગઈકાલે બપોરે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં હર્ષિદાબેનને જમવા બાબતે તેના પતિ મેરૂભાઈ સાથે ઝઘડો થયો હતો. તેથી મનમાં લાગી આવતાં તેણી પોતાના પુત્ર સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી. ત્યારબાદ વાડી વિસ્તારના રસ્તે ઝેરી દવા પીધેલી હાલતમાં માતા પુત્ર મળી આવ્યા હતા. અને બંનેના મૃત્યુ નીપજ્યા હોવાથી પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ છે.