જામનગરના ચાંદી બજારમાં લાખોનું ફૂલેકું ફેરવી વેપારી પલાયન

0
6679

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોની કામની દુકાન ધરાવતા એક સોની વેપારી ૧૨ નાગરિકોનું ૩૭.૮૪ લાખનું સોનુ લઈને છુમંતર થઈ જતાં ભારે દોડધામ

  • જામનગરના બાર નાગરિકોએ જુનું સોનુ આપી નવું બનાવવા તેમજ હપ્તેથી સોનું ખરીદી કરવા માટે પૈસા આપ્યા બાદ વેપારી લાપત્તા બની જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ

જામનગર તા ૧૬, જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોના ચાંદીનો શોરૂમ ધરાવતા એક સોની વેપારી કે જે જામનગરના ૧૨ જેટલા લોકોનું સોનુ તથા રોકડ રકમ વગેરે મળી ૩૭.૮૪ લાખ નું ફૂલેકું ફેરવીને રફુચક્કર થઈ જતાં મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને સોની વેપારી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઇ છે. જે સોની વેપારીને પોલીસ શોધી રહી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પર દીપ એપાર્ટમેન્ટમાં ત્રીજામાળે રહેતા અને જામનગરમાં ચાંદી બજારમાં ન્યુ ક્રિષ્ના જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા મનીષભાઈ ચંદુલાલ નાંઢા કે જેણે ગત તારીખ ૮.૧૨.૨૦૨૩ થી ૩૦.૬.૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન જામનગરના જુદા જુદા ૧૨ વ્યક્તિ પાસેથી સોનુ બનાવવા માટે કેટલાક નાણાં મેળવ્યા હતા, જ્યારે કેટલાક નાગરિકો પાસેથી જૂનું સોનુ લઈને નવું સોનુ બનાવી આપવા માટે મેળવી લીધા બાદ પોતે દુકાનને તાળું મારીને છુ મંતર થઈ ગયા હતા.

આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી સુનિતાબેન અશોકભાઈ ઘેડિયા નામની એક મહિલાએ સોની વેપારી મનીષ ચંદુલાલ નાંઢા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સોની વેપારીએ ઉપરોક્ત સમયગાળા દરમિયાન જામનગરની સુનિતાબેન નામની મહિલા ઉપરાંત કંકુબેન નામની અન્ય એક મહિલા, તથા લાખુબેન, ઉર્મિલાબેન, નયનાબા શક્તિસિંહ ગોહિલ, જયેશભાઈ સામતભાઈ, વિનોદભાઈ ઉકાભાઇ, હિરેનભાઈ ગોવિંદભાઈ, જીતેશ ભાઈ, હંસાબેન મકવાણા, બીનાબેન હરગોવિંદભાઈ સોલંકી, તેમજ વિજયસિંહ ચંદુભા જાડેજા સહિત કુલ ૧૨ વ્યક્તિની ૩૭.૮૪.૬૫૦ ની કિંમત સોના ચાંદીના દાગીના અથવા રોકડ રકમ વગેરે પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ભાગી છૂટ્યા હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે. જેના અનુસંધાને પીએસઆઇ એમ એન રાઠોડ એ આઈ પી સી કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે, અને સોની વેપારીની શોધખોળ હાથ ધરી છે. આ ફરિયાદને લઈને જામનગરના સોની બજારમાં ભારે હલચલ મચી ગઈ છે.