જામનગર નજીક પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા : દારૂનો જંગી જથ્થો ઝડપાયો

0
11193

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં દારૂ ભરેલી કારનો એલસીબીએ પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

  • ૨૬ કિલોમીટરની દોડ પછી એક બુટલેગર ૩૫૭ નંગ દારૂની બોટલ અને કાર સાથે ઝડપાયો: તેમજ ૧ બુટલેગર ફરાર થયો

  • રાજસ્થાન ના ૧ સપ્લાયર તેમજ દારૂ મંગાવનાર જામનગરના બે રીસીવરના નામ ખુલતાં ફરારી જાહેર કરાય

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ ઓગસ્ટ ૨૪ જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં ગઈકાલે એક દારૂ ભરેલી કારનો એલસીબી ની ટુકડીએ પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ૨૬ કિલોમીટર જેટલો પીછો કર્યા પછી એલસીબી ની ટુકડીએ ૩૫૭ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી લીધો છે, જ્યારે એક બુટલેગર છલાંગ લગાવી ભાગી છુટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે. ઉપરાંત રાજસ્થાનના એક સપ્લાયર તથા જામનગરના બે રીસીવર સહિત અન્ય ત્રણને પણ ફરારી જાહેર કરાયા છે.આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જોડિયા તાલુકાના તારાણાં ગામ પાસેથી એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી છે, જે બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ વોચ ગોઠવી હતી.જે વોચ દરમિયાન તારાણા ગામના ટોલનાકા પાસે એક કાર યૂ ટર્ન લઈને ભાગવા લાગી હતી. જેથી એલસીબી ની ટુકડીએ તે કારનો પીછો કર્યો હતો, અને ૨૬ કિલોમીટર સુધી કારનો પીછો કર્યા પછી ધ્રોલ નજીક માણેકપર ગામના પાટીયા પાસે કાર રોડ થી નીચે ઉતરી જતાં એલસીબી ની ટુકડી ત્રાટકી હતી.

જે દરમિયાન એક દારૂનો ધંધાર્થી કારમાંથી છલાંગ લગાવીને ભાગી છૂટ્યો હતો, જયારે કારનો ચાલક ઝડપાઈ ગયો હતો. જેને અટકાવીને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ પાબુરામ પ્રતાપસિંહ બિશ્નોય અને મૂળ રાજસ્થાનના બાડમેર નો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાસી લેતાં અંદરથી નાની મોટી ૩૫૭ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે ઇંગલિશ દારૂ, મોબાઈલ ફોન, અને કાર સહિત કુલ રૂપિયા ૬,૪૯,૬૦૦ ની માલમતા કબજે કરી છે. આ ઉપરાંત કારચાલકની સાથે મૂળ રાજસ્થાનનો વતની દિનેશ બિશ્નોય છલાંગ લગાવીને ભાગી છુટ્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો હતો, જયારે દારૂનો જથ્થો રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઉમેદસિંહ નામના એક દારૂના ધંધાર્થી એ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.આ ઉપરાંત જામનગરમાં રહેતા બે શખ્સોએ દારૂ મંગાવ્યો હોવાથી તેઓને રીસીવર તરીકે ફરારી જાહેર કરી તેઓ બંનેની પણ શોધખોળ હાથ ધરી છે.