જામનગરના વિજરખી ડેમમાંથી યુવાનનો મૃતદેહ સાંપડ્યો

0
5081

જામનગર નજીક વિજરખી ડેમમાં ગઈકાલે સાંજે પડી ગયેલા એક યુવાનને શોધવા માટેની ફાયર તંત્રની કવાયત

  • બે પિતરાઈ ભાઈઓ સાથે ફરવા ગયેલા અને ડૂબેલા યુવાન ને બચાવવાના પ્રયત્નો પણ કર્યા હતા

  • ફાયર બ્રિગેડ ની ગઈકાલ સાંજે તથા આજે સવારની શોધખોળ બાદ આખરે ડેમમાંથી મૃતદેહ સાંપડયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જુલાઈ ૨૪, જામનગર તાલુકાના વિજરખી ગામમાં રહીને મજૂરી કામ કરતો ૧૮ વર્ષનો એક યુવાન પોતાના બે પિતરાઇ ભાઈઓ સાથે ગઈકાલે સાંજે વિજરખી ડેમ પાસે ફરવા ગયો હતો, જ્યાં અકસ્માતે ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેમની સાથે રહેલા બે પિતરાઈ ભાઈઓએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઊંડા પાણીમાં ચાલ્યો જતાં લાપતા બન્યો હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી.

ગઈકાલે સાંજે તેમજ આજે સવારથી ફાયર બ્રિગેડ દ્વારા વિજરખી ડેમમાં શોધખોળ ચાલુ રખાયા બાદ આખરે ડેમના પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં માતમ છવાયો છે.જામનગર તાલુકાના વિજરખી ગામમાં પોતાના મામાના ઘેર રોકાવા આવેલા અને વિજરખી ગામમાં જ મજૂરી કામ કરતા મહેબુબ આમીન શેખ (૧૮ વર્ષ) કે જે પોતાના બે પિતરાઈ ભાઈઓ વલીમામદ હુસેનભાઇ તેમજ ઇકબાલભાઈ પઠાણ સાથે ગઈ કાલે સાંજે વિજરખી ડેમ પાસે ફરવા ગયો હતો.

દરમિયાન તે એકાએક ડેમના પાણીમાં ઉતર્યા પછી ડૂબવા લાગ્યો હતો, અને પાણીમાં તેના માત્ર બે હાથ દેખાઈ રહ્યા હતા. જેને બચાવવા માટે વલીમામદ તેમજ ઈકબાલ નામના બે પિતરાઈ ભાઈઓ પણ પાણીમાં ઊતર્યા હતા. પરંતુ તરતા આવડતું ન હોવાથી તેઓ બચાવી શક્યા ન હતા, અને પાણીમાંથી બહાર નીકળીને પરિવારને જાણ કરી હતી.

આ બનાવ બાબતે ફાયર બ્રિગેડ ને પણ જાણ કરાઈ હતી. જેથી ગઈકાલે સાંજે ફાયર વિભાગ ની ટુકડી વિજરખી ડેમ પર પહોંચી હતી, અને લાપતા યુવાન મહેબૂબ ની શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ મોડી રાત સુધી તેનો કોઈ પતો મળ્યો નહોતો. તેથી રાત્રે ઓપરેશન અટકાવ્યા બાદ આજે વહેલી સવારથી ફરીથી ડેમમાં શોધ ખોળ નું કાર્ય શરૂ કર્યું હતું, દરમિયાન ૧૧.૩૦ વાગ્યાના અરસામાં તેનો મૃતદેહ ડેમના પાણીમાંથી મળી આવ્યો હતો. જેને બહાર કાઢી પંચકોશી એ. ડિવિઝન ના સ્ટાફ ને સુપ્રત કરી દીધો છે. પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવે છે. આ બનાવને લઈને મૃતકના પરિવારજનોમાં માતમ છવાયો છે.