જામનગરમાં બ્યુટીફિકેશનના નામે સત્યાનાશ : તળાવ ૨૦ ફુટ બુરી દેતા વિરોધ

0
2631

જામનગરના જીવાદોરી સમાન લાખોટા તળાવ ના પાછળના ભાગને બ્યુટીફિકેશન ના નામે બુરી દેવાનું કામ વિરોધ પક્ષે અટકાવ્યું

  • પાણીના સંગ્રહ માટેના લાખોટા તળાવને બ્યુટીફિકેશનના બહાને ૨૦ ફૂટ બુરી દેવાનો વિરોધ: જન આંદોલનની ચીમકી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ જૂન ૨૪, જામનગર શહેરની મધ્યમાં આવેલું અને લોકોની જીવાદોરી સમાન લાખોટા તળાવ, કે જેના પાછળના ભાગે સાયકલ ઝોન બનાવવાના બહાને ચારેય બાજુથી ૨૦ ફૂટ તળાવ બુરી નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેનો જામનગર મહાનગરપાલીકા ના વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને તાત્કાલિક અસરથી આ કામ રોકવામાં નહીં આવે તો જન આંદોલનની ચીમકી પણ અપાઇ છે.

જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, પૂર્વ વિપક્ષી નેતા આનંદ રાઠોડ,પૂર્વ કોર્પોરેટર આનંદભાઈ ગોહિલ, મહિપાલસિંહ જાડેજા, સંજયભાઈ કાંબરીયા, ભરતભાઈ વાળા સહિત કોંગી અગ્રણીઓ આજે સવારે લાખોટા તળાવની પાળે પહોંચ્યા હતા, અને જે સ્થળે કામ ચાલી રહ્યું હતું, ત્યાં વિરોધ વ્યક્ત કર્યો હતો.

જામનગર શહેરના જીવાદોરી સમાન કે જ્યાં તળાવની ઊંડું ઉતારીને પાણીનો સંગ્રહ કરવો જોઈએ, તેના બદલે તળાવમાં બહારથી માટી લાવીને તળાવ બુરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેનો વિરોધ કર્યો હતો, અને આ કામ રોકવામાં નહીં આવે, તો ભવિષ્યમાં જન આંદોલનની ચીમકી પણ અપાઈ હતી.