ધ્રોલના બાળકી અપહરણ પ્રકારણમાં ચોકાવનારો ખુલાસો : જનેતા હત્યારી

0
2540

ધ્રોલ નજીક હાડાટોડા ગામમાં પર પ્રાંતીય શ્રમિક પરિવારની ૧૦ મહિનાની બાળકીના અપહરણ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો

  • બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા નિપજાવ્યાનું સામે આવતાં ભારે અરેરાટી

  • માસૂમ પુત્રીને જન્મથી જ શ્વાસની તકલીફ હોવાથી અને રાત્રે રડતી હોવાના કારણે માતાએ જ પુત્રીને કુવામાં ફેંકી દીધી

દેશ દેવી નયૂઝ જામનગર તા ૩ જૂન ૨૪, જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના હાડાટોડા ગામમાં ખેત મજૂરી કરી રહેલા પરપ્રાતિય શ્રમિક પરિવાર ની દસ માસની બાળકી એકાએક લાપત્તા બની જતાં પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી. પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં ચોકાવનારો ખુલાસો થયો છે, અને બાળકીની જનેતાએ જ કૂવામાં ફેંકી દઈ હત્યા નિપજાવ્યાનું સામે આવતાં ભારે ચકચાર જાગી છે. બાળકી જન્મથી શ્વાસની તકલીફ વાળી હોવાથી તેમજ રાત્રિના રડતી હોવાના કારણે માતાએ તેને કૂવામાં ફેંકી દઇ મોતને ઘાટ ઉતારી હોવાથી ધ્રોલ પોલીસે માતા સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના અલીરાજ પુરના વતની અને હાલ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાડા ટોડા ગામના ખેડૂત વિરેન્દ્રસિંહ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કાળુભાઈ સવજીભાઈ મીનાવા નામના આદિવાસી ખેત મજૂરની દસ માસની બાળકી ખુશી શનિવારે બપોરના સમયે લાપતા બની ગઈ હતી. પરિવારજનો દ્વારા વાડી સહિતના આસપાસના વિસ્તારમાં શોધખોળ કર્યા પછી પણ કોઈ પતો નહીં મળતાં આખરે ધ્રોલ પોલીસનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાની ૧૦ માસની પુત્રી ખુશી ગુમ થઈ હોવાની જાણ કરી હતી. આથી ધ્રોળ પોલીસે બાળકીના અપહરણ અંગે ગુનો નોંધ્યો હતો, અને તેની શોધખોળ શરૂ કરી હતી.આદિવાસી શ્રમિક પરિવારના ચાર સંતાનો પૈકીની સૌથી નાની પુત્રી ખુશી કે જે ઘરમાં સૂતી હતી, દરમિયાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં એકાએક લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ ચલાવાઇ હતી, જેમાં ચોકાવનારો ખુલાસો થયો હતો બાળકીની માતા સંગીતા દેવી કે જેણે જ પોતાની ૧૦ માસની બાળકીને કૂવામાં ફેંકી દઈ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું હતું.પોલીસે કૂવામાંથી બાળકીના મૃતદેહ અને બહાર કઢાવ્યો હતો, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં સંગીતાએ જણાવ્યું હતું, કે પોતાની પુત્રી ખુશી, કે જેને જન્મથી જ શ્વાસની તકલીફ હતી, અને રાત્રિના રડતી હતી, જેથી કંટાળીને આખરે તેની હત્યા કરી નાખવાનો મનસુબો ઘડ્યો હતો, અને શનિવારે બપોરે તેને કૂવામાં ફેંકી દઈ હત્યા નીપજાવી હતી.ધ્રોલ પોલીસે બાળકીના પિતા કાળુભાઈ સવજીભાઈ મીનાવા ની ફરિયાદના આધારે તેની પત્ની સંગીતા સામે આઇપીસી કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધ્યો છે, અને પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે. આ બનાવે ધ્રોળ પંથકમાં ભારે ચકચાર જગાવી છે.