જામનગર પોલીસની પ્રશંસનીય કામગીરી કરી : ખેડુતના 3 લાખ શોધી આપ્યા

0
2840

કલ્યાણપુરના નંદાણાના ખેડૂતની જામનગરમાં પડી ગયેલી ત્રણ લાખની રકમ સિટી સી. ડિવિઝન પોલીસે પરત અપાવી પ્રશંસનીય કામગીરી કરી

  • પુત્ર ની સગાઈ માટે સોનાના દાગીના બનાવવા માટે આવેલા ખેડૂતની રકમ ખાનગી ટ્રાવેલ્સમાં ભુલાઈ જતાં પોલીસે રકમ પરત અપાવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તારીખ ૧ જૂન ૨૪, કલ્યાણપુર તાલુકા ના નંદાણા ગામના એક ખેડૂત ૩ લાખની રોકડ રકમ લઈને પુત્ર ની સગાઈ માટે ઘરેણા બનાવવા માટે જામનગર આવ્યા હતા, અને તેઓની ત્રણ લાખની રોકડ રકમ ભરેલો થેલો ગાયબ થયો હતો. સિટી સી. ડિવિઝન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ ના સંચાલકનો સંપર્ક કરીને ખેડૂતનો રોકડ રકમ ભરેલો થેલો શોધી કાઢી રકમ પરત અપાવીને પ્રસંસનિય કામગીરી કરી હતી. જેથી ખેડૂતે પોલીસ વિભાગનો તેમ જ ટ્રાવેલ સંચાલકનો આભાર માન્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ખેડૂત વજશીભાઈ નાથાભાઈ કરમુર (ઉ.વ.૫૩) કે જેઓ પોતાના પુત્રની સગાઈ કરવા માટે સોનાના દાગીનાની ખરીદી કરવા માટે ગઈકાલે બપોરે ખાનગી લક્ઝરી બસ મારફતે જામનગર આવ્યા હતા. દરમિયાન તેઓનો ત્રણ લાખની રોકડ રકમ ભરેલો થેલો ગાયબ થયો હતો, અથવા તો ક્યાંક ભુલાયો હતો.

તેથી તેમણે તુરત જ સીટી સી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, ત્યાં ઇન્ચાર્જ પ્રોબેશનલ પી.આઇ. આર.ડી. રબારી તેમજ પી.એસ.આઇ. વી.બી. બરબાસીયા અને સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ જાડેજા તથા મહાવીરસિંહ જાડેજા વગેરેએ તાત્કાલિક અસરથી રોકડ રકમ શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જેઓએ સામરાજ ટ્રાવેલ્સ ના સંચાલક શક્તિસિંહ રામસંગજી સોઢા કે જેઓ મૂળ શેખપાટ ગામના વતની છે, તેઓનો સંપર્ક સાધ્યો હતો, અને ખાનગી લક્ઝરી બસ વગેરેની તપાસની કરાવી હતી.

દરમિયાન ખેડૂતની બસમાં ભૂલાયેલી રૂપિયા ત્રણ લાખની રોકડ રકમ મળી ગઈ હતી, અને ખેડૂત વજશીભાઈ ને તે રકમ પોલીસની હાજરીમાં પરત અપાવી દેતાં તેઓએ પોલીસ વિભાગ તેમજ ટ્રાવેલ સંચાલક નો આભાર વ્યક્ત કર્યો હતો.