જામનગરમાં જમાઈ એ સાસુ અને મામાજીને ઢીંબી નાખ્યા

0
6381

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં જમાઈ જમ બન્યો: સાસુ અને મામાજી પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

  • ક્રિશ્ચન યુવતિ સાથે પ્રેમ લગ્ન કર્યા પછી યુવતીએ છૂટાછેડા માટેનો કેસ કરતાં યુવતીના માતા તથા મામાને મારકુટ કરાઈ

  • હુમલો કરનાર જમાઈ અને તેના એક સાગરીત સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૩૦ મે ૨૪ જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી શિક્ષિકા ક્રીસ્ચન મહિલાએ પોતાના ઉપર હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે તેમજ પોતાના ભાઈને પણ માર મારવા અંગે પોતાના જમાઈ અને તેના એક સાગરિત સામે ફરિયાદ નોંધાવી છે. પ્રેમ લગ્ન કરનાર ફરિયાદીની પુત્રી એ છૂટાછેડા આપવા માટેનો કેસ કરતાં આરોપીએ ફરિયાદીના ઘરે આવીને હંગામો મચાવ્યો હતો. જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતી રોક્શન રાઘવન પીલ્લે નામની ૫૫ વર્ષની ક્રિશ્ચિયન શિક્ષિકા મહિલાએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને માર મારી હાથમાં અને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે તેમ જ બચાવવા માટે આવેલા પોતાના ભાઈ ડેસ્ટ્રો ને પણ માર મારી ઇજાગ્રસ્ત કરી દેવા અંગે પોતાના જમાઈ કિશોરસિંહ જાડેજા અને તેના સાગરીત મિલન જાદવ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદીએ રોકશન કે જેઓ જાતે ક્રિશ્ચિયન છે, તેની પુત્રી રીબેકા કે જે હાલ અમદાવાદમાં નોકરી કરે છે, પરંતુ તેણે આજથી છ મહિના પહેલાં આરોપી કિશોરસિંહ જાડેજા સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ બંને વચ્ચે મનદુઃખ થતાં થોડા દિવસો પહેલા રીબેકા માવતરે પરત આવી ગઈ હતી, અને તેણીએ છૂટાછેડા નો અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જે આરોપીને પસંદ ન હોવાથી ગઈકાલે પોતાના સાગરીત સાથે ફરિયાદી શિક્ષિકા મહિલાના ઘેર આવ્યો હતો, અને હંગામો મચાવી ફરિયાદી અને તેના ભાઈને મારકુટ કરી હતી.

જે મામલો સીટી સી. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો અને મહિલા પીએસઆઇ એમ. વી. દવે ક્રિશ્ચિયન મહિલાની ફરિયાદના આધારે આરોપી કિશોરસિંહ જાડેજા અને તેના સાગરીત મિલન જાદવ સામે આઇપીસી કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬-૨, તેમજ જીપીએસ કલમ ૧૩૫-૧ હેઠળ ગુનો નોંધ્યો છે, અને બંને આરોપીઓની શોધ હાથ ધરી છે.