જામનગરમાં બોર કરવા આવેલી કંપની માલસમાન મુકી ભાગી છુટી : જુવો Video

0
8102

જામનગરમાં હિંમતનગર રોડ પર વેપારી દ્વારા પાણીનો બોર કરાવતી વખતે ગેસની લાઈનમાં ડેમેજ થતાં ભારે દોડધામ : મોટી દુઘટર્ના ટળી

  • પાણીની પાઇપ લાઇનમાંથી ગેસના ફુવારા ઉડ્યા હોવાથી બોરવેલ કરનાર કંપની ની ટીમ અને દુકાનદાર ભાગી છુટ્યા

  • જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડીએ દોડી જઈ સ્થળ પરથી બોરવેલ નો માલ સામાન ઝપ્ત કર્યો

  • ૭,૦૦૦ જેટલા ગેસજોડાણ ગ્રાહકોને અસર થયા પછી ગેસ એજન્સીની ટીમ દ્વારા મરામત કરી લઈ લીકેજ દૂર કરી લેવાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ મે ૨૪ જામનગરમાં હિંમતનગર રોડ પર એક દુકાનદાર દ્વારા જાહેર રોડ પર ખોદ કામ કરીને પાણીનો બોર કરવામાં આવી રહ્યો હતો જે દરમિયાન નીચેથી પસાર થતી ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં બોરવેલ માંથી એકાએક ગેસના ફુવારા ઉડયા હતા, અને દુકાનદાર તેમજ બોરવેલ કંપની નો સ્ટાફ પલાયન થયો હતો. આ ઘટના બાદ ગેસ લીકેજ થવાના કારણે ૭,૦૦૦ જેટલા ગેસજોડાણ ધારકોને અસર થઈ હતી, અને ગેસ એજન્સી ની ટુકડી એ દોડી જઈ યુદ્ધના ધોરણે મરામતની કામગીરી પૂર્ણ કરી લીધી હતી. ઉપરાંત એસ્ટેટ શાખાની ટુકડીએ દોડી જઈ બોરવેલ ની કંપની નો કેટલોક માલ સામાન જપ્ત કરી લીધો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હિંમતનગર કોલોની રોડ પર એક દુકાનદાર દ્વારા પોતાના દુકાનના દરવાજા પાસે પાણીનો બોર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી, અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર પાણીનો બોર કરવાનું શરૂ કરાવ્યું હતું. ગુરુવારે સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં બોર કરતી વખતે એકાએક નીચેથી પસાર થતી ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, અને બોરવેલ માંથી એકાએક ગેસના ફુવારા ઉડયા હતા.જે ઘટનાને લઈને દુકાનદાર તેમજ બોરવેલ સંચાલકનો સ્ટાફ વગેરે અડધું કામ મૂકીને ભાગી છૂટયા હતા. આ ઘટનાને કારણે ગુજરાત ગેસ કંપનીના અંદાજે ૭૦૦૦ ગ્રાહકોને અસર થઈ હતી. જે ઘટનાની જાણ થવાથી ગેસ એજન્સી નો સ્ટાફ બનાવ ના સ્થળે દોડી આવ્યો હતો, અને સૌ પ્રથમ પાઇપલાઇન માંથી પસાર થતો ગેસ બંધ કરી દઇ યુદ્ધના ધોરણે મરામતની કામગીરી પૂર્ણ કરી લઈ ગેસ લીકેજને બંધ કર્યો હતો.સમગ્ર બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી સુનિલભાઈ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અનવરભાઈ ગજણ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને લ બોરવેલ કંપનીનો કેટલોક માલ સામાન સ્થળ પર પડેલો હતો, જે જપ્ત કરી લઇ મહાનગર પાલિકાની કચેરીમાં જમા કરાવી દીધો છે, અને દુકાનદાર તેમજ બોરવેલના સંચાલકોને બોલાવી લઈ ગેસ એજન્સીને થયેલી નુકસાની ની વસુલાત માટેની કાર્યવાહી ચાલી રહી છે.