જામનગર લોકસભા -૨૦૨૪ની ચૂંટણી , આવતી કાલે મતદાન

0
2630

૧૨- જામનગર લોકસભા -૨૦૨૪ની ચૂંટણી

  • જામનગર બેઠકમાં કુલ ૧૮,૧૩,૯૧૩ મતદારો મતાધિકારનો નો ઉપયોગ કરશે

  • હાલારના બન્ને જિલ્લાઓમાં ૧,૮૭૯ મતદાન મથકો ઉભા કરાશે:જેમાં ૩૮૬ સંવેદનશીલ મતદાન મથક : આવતીકાલે મંગળવારે મતદાન થશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૪ લોકસભા- ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી ની હાલારના બંને જિલ્લાઓમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. અને જામનગર જિલ્લામાં મુખ્ય બે પ્રતિસ્પર્ધી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. આવતીકાલે તા. ૭ મી મે ના રોજ મતદાન થશે, અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૧૮,૧૩,૯૧૩ મતદારો લોકશાહીનું પર્વ મનાવશે. જેના માટે વહીવટી તંત્ર સજજ બન્યું છે. સાથો સાથ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ચૂંટણી લડવા માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન સાંસદ પૂનમબેન માડમ કે જેઓને ભારતીય જનતા પાર્ટી તરફથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા માટેની તક આપવામાં આવી છે , જેની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને કાલાવડ તાલુકાના નિકાવા ની બેઠકના સદસ્ય જે.પી. મારવીયા ચૂંટણી મેદાન મા છે.આમ કોંગ્રેસ ભાજપ વચ્ચે આ બેઠક પર સીધી સ્પર્ધા થશે. ત્યારે બંને રાજકીય પક્ષો દ્વારા એડીચોંટી નું જોર લગાવ્યું છે.

૧૨- જામનગર લોકસભા માં હાલારના બંને જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો, જેમાં જામનગર જિલ્લામાં છ તાલુકા મથકો આવેલા છે. જામનગર શહેર, જામનગર ગ્રામ્ય, કાલાવડ, ધ્રોળ- જોડીયા લાલપુર અને જામજોધપુર નો સમાવેશ થાય છે. તે જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર તાલુકા મથકો આવેલા છે. જેમાં ખંભાળિયા, દ્વારકા, ભાણવડ ને કલ્યાણપુર નો સમાવેશ થાય છે. ઉપરાંત મોરબી વિધાનસભા વિસ્તાર પૈકીના આમરણ ચોવીસીના ૨૪ ગામો કે જેનો પણ ૧૨- જામનગર લોકસભા વિસ્તારમાં સમાવેશ થાય છે.

હાલારના બન્ને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકા માં કુલ ૧૮,૧૩,૯૧૩ મતદારો મતદાન કરશે. તેના માટે જામનગર જિલ્લાના ૭૬- કાલાવડ વિધાનસભા વિસ્તાર, ૭૭- જામનગર ગ્રામ્ય, ૭૮-જામનગર ઉત્તર, ૭૯- જામનગર દક્ષિણ, ૮૦ જામજોધપુર, ૮૧- ખંભાળીયા અને ૮૨- દ્વારકા વિધાનસભા વિસ્તારમાં ૧,૮૭૯ મતદાન મથકો ઉભા કરાયા છે, જેમાં ૩૮૬ સંવેદનશીલ જાહેર કરાયા છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧,૮૭૯ મતદાન મથકો ઉભા કરાશે જે પૈકી ૯૦૦ થી વધુ મતદાન મથકોમાં સીસીટીવી કેમેરા વગેરે ગોઠવીને તેના માધ્યમથી વેબ કાસ્ટિંગ કરાશે. હાલારના બંને જિલ્લામાં ૮,૮૭૨ કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે જેમાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારમાં કુલ ૫,૫૬૯ જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે વિધાનસભા વિસ્તારમાં ૩૩૦૩ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૦૭ રીસીવિંગ સેન્ટર ઉભા થશે. જેમાં કાલાવડમાં માટે હરધોળ હાઇસ્કુલ- ધ્રોલ, જામનગર ગ્રામ્ય માટે હાલારી વીસા ઓસવાળ વિદ્યાલય- જામનગર, જામનગર ઉત્તર માટે ડીકેબી કોલેજ, જામનગર દક્ષિણ માટે પ્રભુલાલ સંઘરાજ વિદ્યાલય, જામજોધપુર માટે લાલપુર ની વિવેકાનંદ શૈક્ષણિક સ્કૂલ, તેમજ ખંભાળિયામાં પ્રાંત કચેરી, જ્યારે દ્વારકામાં શારદા પીઠ કોલેજ દ્વારકામાં રીસીવિંગ સેન્ટર ઊભા કરાશે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭ મી મે ના રોજ મતદાન થયા પછી તમામ ઇવીએમ મશીન જુદા જુદા સાત રિસીવિંગ સેન્ટરોમાં શીલ કરી ને મુકાયા પછી આગામી ૪ જૂને મતગણના થશે, અને જામનગર ના ઇન્દિરા માર્ગ ઉપર આવેલી ઔશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિયા કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે.

૨૦૧૪માં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ૧,૭૫,૨૮૯ જ્યારે ૨૦૧૯ માં ૨,૩૬,૮૦૪ ની લીડથી વિજેતા બન્યા હતા.

જામનગર લોકસભાની બેઠક પર છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં લગભગ મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સીધી સ્પર્ધા થાય છે, જે મુજબ ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ કે જેઓને ૪,૮૪,૪૧૨ મત મળ્યા હતા, તેની સામે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઈ માડમ કે જેઓ પુનમબેન માડમના કાકા થાય છે, તેઓને ૩,૦૯,૧૨૩ મત મળ્યા હતા અને પૂનમબેન માડમનો આ બેઠક પર સૌ પ્રથમ વખત ૧,૭૫,૨૮૯ મતણી સરસાઈથી વિજય થયો હતો.

ત્યારબાદ ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં પૂનમબેન માડમ ની બીજી ટર્મ માટેની ફરીથી પસંદગી થઈ હતી, અને તેઓ ૨૦૧૯ ની ચૂંટણીમાં તેઓને ૫,૯૧,૫૮૮ મત મળ્યા હતા, જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા ને ૩,૫૪,૭૮૪ મત મળ્યા હતા, અને પૂનમબેન માડમ નો ૨,૩૬,૮૦૪ મત ની જંગી લીડ થી વિજય થયો હતો. આ વખતે ભાજપ ના પૂનમબેન માડમ સામે કોંગ્રેસ નાં ઉમેદવાર જયંતીલાલ પરસોત્તમભાઈ મારવીયા (જે.પી. મારવીયા) કે જેઓ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહે છે. જેઓનો જન્મ ૧૦.૭.૧૯૮૧ ના રોજ થયો હતો. જ્યારે તેઓએ બી.કોમ. એલ.એલ.બી. સહિતની ડિગ્રી સહિતનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે, અને પોતે એડવોકેટ તરીકે વ્યવસાય કરે છે.

તેઓ રાજકોટમાં એડવોકેટ એન્ડ નોટરી તરીકેની ઓફીસ ધરાવે છે. જેઓ છેલ્લા ૨૨ વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સક્રિય છે, અને હાલ તેઓ જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે, ઉપરાંત સહકારી ક્ષેત્રે કાલાવડ એપીએમસીના ડિરેક્ટર પદે છે, ઉપરાંત સેવા સહકારી મંડળી, કાલાવડ તાલુકા પટેલ સમાજના આગેવાન તરીકે કાર્યરત છે, અને તેઓ આગામી લોકસભા-૨૦૨૪ ની જામનગરની બેઠક માટે કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. રવિવારે સાંજે પાંચ વાગ્યા થી પ્રચાર પડઘમ શાંત થયા છે. હવે મતદાન ને માત્ર એક દિવસ આડો છે.