ભારતીય વાયુસેનાના માર્શલ અર્જુનસિંઘ (ડીએફસી) ની સ્મૃતિમાં સંગીતમય શ્રદ્ધાંજલિ અપાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ એપ્રિલ ૨૪ ભારતીય વાયુસેનાના માર્શલ અર્જુનસિંઘ ડીએફસીને તેમની ૧૦૫ મી જન્મ જયંતિ નિમિત્તે ૧૫ એપ્રિલ ૨૦૩૪ ના સાંજે ૪.૩૦ કલાકે લાખોટા રણમલ તળાવ (સિવિલ એરિયા) જામનગર ખાતે એરફોર્સ સ્ટેશન જામનગર દ્વારા ત્રિ-સેવા બેન્ડ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત બેન્ડમાં એર વોરિયર સિમ્ફની ઓર્કેસ્ટ્રાના ૨૮ એર વોરિયર્સ, એર ફોર્સ બેન્ડના ૧૩ એર વોરિયર્સ, હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, નેવી બેન્ડ, આઈએનેસ વાલસુરાના ૧૫ સંગીતકારોનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાના માર્શલને શ્રદ્ધાંજલિ આપવા માટે આ એક અનોખું અને તેના પ્રકારનું પ્રથમ ત્રિ-સેવા બેન્ડ પ્રદર્શન હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, ત્રણેય સંરક્ષણ દળોના સભ્યો, કોસ્ટ ગાર્ડ, ઉદ્યોગપતિઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને અનાથાશ્રમના બાળકો ઉપરાંત જામનગરના સ્થાનિક લોકો સામેલ થયા હતા. આ કાર્યક્રમનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.