જામજોધપુર તાલુકાના પરડવા ગામની સીમમાં ફોરેસ્ટની જમીનમાં ખોદકામ કરનારા ૬ શખ્સોને ફોરેસ્ટ કર્મચારીએ પડકારતાં બબાલ
- ગેરકાયદે માટી ખોદકામ કરી રહેલા શખ્સોએ ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કરી ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ માર્ચ ૨૪ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના પરડવા ગામની સીમમાં ફોરેસ્ટની જગ્યામાં ગેરકાયદે માટીનું ખોદ કામ કરી રહેલા છ શખ્સોને ફોરેસ્ટ ના કર્મચારીએ અટકાવતાં તેને માર મારી ફરજમાં રૂકાવટ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જામજોધપુર પોલીસ તમામ આરોપીઓને શોધી રહી છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના ના વતની અને હાલ જામજોધપુર પંથકમાં ફોરેસ્ટ વિભાગમાં આર.એફ.ઓ. તરીકે ફરજ બજાવતા પ્રવીણસિંહ કાળુસિંહ મોરીએ જામજોધપુર પોલીસ મથકમાં પોતાને માર મારી ફરજમાં રૂકાવટ પેદા કરવા અંગે પરડવા સિમ વિસ્તારના માલદે નામના શખ્સ અને તેના અન્ય પાંચ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે આઈપીસી કલમ ૧૮૬, ૩૩૨, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬- (૨) , ૧૧૪ અને જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે, અને ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી માલદે તથા તેની સાથેના અન્ય પાંચ સાગરીત કે જેઓ જેસીબી મશીન, ટ્રેક્ટર સહિતના વાહનો સાથે પરડવા ગામની સીમમાં આવેલી સરકારી ફોરેસ્ટ વિભાગની જમીનમાં ઘુસ્યા હતા, અને ત્યાં ગેરકાયદે રીતે માટીનું ખોદકામ કરી રહ્યા હતા. તેઓને અટકાવતાં મામલો બીચક્યો હતો, અને તમામેં ફોરેસ્ટ અધિકારી પર હુમલો કરી દીધો હતો. જેથી મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો છે.