જામનગર માં આગામી ૧૪ માર્ચથી RTE હેઠળ પ્રવેશ મેળવવાનો પ્રારંભ થશે

0
1567

જામનગરમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ ૧ માં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટે જાહેરાત કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૮ માર્ચ ૨૪ જામનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શૈક્ષણિક વર્ષઃ ૨૦૨૪ – ૨૫ માં ( RTE ) આર.ટી.ઇ. એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત જામનગર શહે૨ની બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ-૧ માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા અંગે જાહેરાત કરવામાં આવી છે.

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-ર૦૦૯ તથા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો-૨૦૧૨ અન્વયે નબળા અને વંચિત જૂથના બાળકોને ૨૫ ટકા મુજબ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ (પહેલા)માં જૂન-૨૦૨૪થી વિનામૂલ્યે પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

( RTE ) આર.ટી.ઈ. એક્ટ હેઠળ પ્રવેશ માટે અરજીની પ્રક્રિયા ઓનલાઈન વેબ પોર્ટલ https://rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ આગામી તા.૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ સુધીમાં ભરવાના રહેશે અને તેમાં ઓનલાઈન જરૂરી અસલ આધારો અપલોડ કરવાના રહેશે. આધારો અને પુરાવા સ્પષ્ટ વંચાય શકાય તેવી રીતે સ્કેન કરીને અપલોડ કરવા. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફોર્મ ક્યાંય પણ જમા કરવાનું રહેશે નહિ. પ્રવેશફોર્મની પ્રિન્ટ મેળવી વાલી પાસે રાખવાની રહેશે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે https://rte.orpgujarat.com વેબસાઈટ પર તથા પ્રવેશ પ્રક્રિયા અંગે કોઇપણ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી, જામનગરના હેલ્પ લાઈન નંબર- ૦૨૮૮-૨૫૫૩૩૨૧ ( સવારે- ૧૧:૦૦ થી ૬:૦૦ રજાના દિવસો સિવાય) સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. વિડજા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.