જામનગરના બેડી વિસ્તારમાં રહેતા કુખ્યાત સાયચા બંધુઓ સામે લેન્ડગ્રેબીંગ અંગેનો બીજો ગુનો નોંધાતાં ચકચાર
- હાલ જેલમાં રહેલા બંને ભાઈઓ દ્વારા સરકારી જગ્યામાં ગેરકાયદે બંગલો બનાવી લીધા નું ખુલ્યું હોવાથી બીજો ગુન્હો દર્જ
- આરોપી: – રજાક નુરમામદ સાયચા તથા હનીફ નુરમામદ સાયચા બંન્ને રહે.બેડીના ઢાળીયા પાસે જામનગર તથા તપાસમા ખુલે તે તમામ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૭ માર્ચ ૨૪ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા કુખ્યાત સાયચા બંધુઓ સામેના એક પછી એક પ્રકરણ સામે આવી રહ્યા છે. બંને સાયચા બંધુઓએ સરકારી જમીનમાં વધુ એક બંગલો ગેરકાયદે રીતે ખડકી દીધો હોવાનું સર્વે દરમિયાન સામે આવ્યું છે, જેથી તેમની સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ અંગેનો બીજો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા રજાક નુરમામદ સાયચા, અને અને હનીફ નૂરમામદ સાયચા દ્વારા બેડી વિસ્તારમાં સરકારી રેવન્યુ સર્વે નંબર ૪૦ વાળી જગ્યામાં ગેરકાયદે બંગલો બનાવી લીધા નું સામે આવ્યા પછી બંને ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો હતો, અને તેઓએ બનાવેલા બંગલા પર સરકારી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
દરમિયાન તેણે હાઇકોર્ટનો આશરો મેળવીને થોડા સમય માટે સ્ટે મેળવ્યો હતો, પરંતુ તાજેતરમાં હાઇકોર્ટ તરફથી સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો છે, અને સરકાર પક્ષે જમીન ખુલ્લી કરાવવાનો માર્ગ મોકળો બન્યો છે, અને ફરીથી ડીમોલેશન ની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
દરમિયાન જામનગર શહેર વિભાગના મામલતદાર ની કચેરીના સર્કલ ઓફિસર હિતેશકુમાર ખુશાલભાઈ જાદવની તપાસના આધારે બંને સાયચા બંધુઓએ બેડી વિસ્તારમાં આવેલી સરકારી ખરાબા ના રેવન્યુ સર્વે નંબર ૪૦ પૈકીની જમીનમાં વધુ એક બંગલો ખડકી દઈ દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું.
જેથી સર્કલ ઓફિસર દ્વારા સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે વધુ એક લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી.
જે ફરિયાદના અનુસંધાને જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીર સિંહ ઝાલાએ સમગ્ર પ્રકરણની તપાસ પોતાના હાથમાં રાખી છે, અને બંને સાયચા બંધુઓ રજાક નુરમામદ અને હનીફ સાયચા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત) વિધેય ૨૦૨૦ ની કલમ ૪(૨),૪(૩), અને ૫ (ગ) મુજબ ગુનો નોંધ્યો છે, હાલ બંને આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા હોવાથી તેઓનો ટ્રાન્સફર વોરંટ થી કબજો મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે, સાથો સાથ સરકારી જગ્યા પર ખડકાયેલા બંગલાને ડીમોલેસન કરવાની પણ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.