જામનગરનો લોન એજન્ટ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો: સાત વિરૂદ્ધ ગુન્હો નોંધાયો
- મીઠાપુરના પતિ-પત્નિ અને જામનગરના પાંચ શખ્સોએ પાંચથી ત્રીસ ટકા રાક્ષસી વ્યાજ વ્યાજ વસુલ્યું
- રૂપિયા આપી કોરા ચેક લઇ ચેક બાઉન્સ કરાવી ખોટા કેસમાં ફસાવી દેવા ધમકી આપી પઠાણી ઉઘરાણી
- ઓરોપી (૧) વલ્પેશ પ્રભુદાસ પાબારી (૨) મીતાબેન વલ્પેશ પ્રભુદાસ પાબારી (૩) રૂષીરાજસિહ તખુભા જાડેજા (૪) મેઘરાજસિહ તખુભા જાડેજા (૫) કૃણાલસિહ રાઠોડ (૬) જયેશભાઇ જોબનપુત્રા (૭) સહદેવ ઉર્ફે શક્તિદાન મનહરદાન ગઢવી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૯ ફેબ્રુઆરી ૨૪ જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કાર લોન તેમજ હોમલોન એજન્ટ તરીકે કામ કરતા ભાવીક રમેશભાઇ તન્નાને વર્ષ ૨૦૧૨માં કન્સ્ટ્રકશનનાં ધંધામાં ખોટ જતાં મીઠાપુરમાં તેમના મિત્ર વલ્પેશ પ્રભુદાસ પાબારી પાસેથી પાંચ ટકાના વ્યાજદરે રૂા. ત્રણ લાખ લીધેલાં હતા, અને તે રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હતી. ત્યારબાદ વર્ષ-૨૦૨૨માં તેમની પાસેથી પાંચ ટકાના વ્યાજદરે લીધા હતા, અને અત્યાર સુધીમાં ત્રણ લાખ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું છે, અને નવેમ્બર-૨૩ માં વલ્કેશની પત્ની મિતાબેન પાસેથી વ્યાજના રૂપિયા ભરપાઇ કરવા ત્રણ લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા’ અને અત્યાર સુધીમાં રૂા. એક લાખ વ્યાજ ચૂકવ્યા છતાં બન્ને પતિ-પત્નીએ રૂા. ૫.૫૪ લાખની ઉઘરાણી કરી સિકયુરીટી પેટે આપેલો ચેક બાઉન્સ કરાવી લીધો હતો.
ત્યારબાદ વર્ષ-૨૦૧૯ માં જામનગર શહેરમાં આવેલ પુનીત હોટલવાળા પાસે થી દસ ટકા લેખે સૌપ્રથમ રૂા. ૪૦ હજાર લઇ રૂા. ૧.૪૪ લાખ વ્યાજ સહિત ચૂકવેલાં અને જામનગરના રૂષિરાજસિંહ જાડેજા પાસેથી કટકે-કટકે રૂા. ૭.૯૫ લાખ વ્યાજે લીધેલાં અને રૂા. ૧૫.૧૪ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં હજી રૂા. ૪.૮૦ લાખ આપવાની માંગણી કરી ચેક બાઉન્સ કરાવી ધમકી આપે છે.
જયારે પુનીત હોટલવાળા મેઘરાજસિંહ તખુભા જાડેજા પાસેથી છ ટકાના વ્યાજ ના દરથી રૂા. ૬૫ હજાર લીધેલાં અને રૂા. ૨.૫૦ લાખ વ્યાજપેટે ચૂકવી દીધા હોવા છતાં રૂા. ૩૫ હજારની માંગણી કરી ચેક બાઉન્સની ધમકી આપે છે.
જ્યારે પટેલ કોલોની શેરી નં. ૯ માં રહેતા કૃણાલસિંહ રાઠોડ પાસેથી રૂા. ૨૫ હજાર લીધા હતાં. અને અત્યાર સુધીમાં રૂા. ૫૮,૫૦૦ ચૂકવી દીધા હોવા છતાં રૂા. ૧૫ હજારની માંગણી કરી ધમકી આપે છે. અને ગત જુલાઇ મહિનામાં જામનગરના જયેશભાઇ જોબનપુત્રા પાસેથી પાંચ ટકાના દરે રૂા. ૪ લાખના અત્યાર સુધીમાં એક લાખ રૂપિયા વ્યાજ પેટે ચૂકવી દીધા હોવા છતાં રૂા. ૫.૨૫ લાખની માંગણી કરી ચેક બાઉન્સ કરાવી કોર્ટ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં ભાવીક રમેશભાઇ તન્નાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આથી પોલીસે ઇ.પી.કો. કલમ ૩૮૪ અને ગુજરાત મની લેન્ડર્સ એકટની જુદી-જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.