જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગ: ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ સહિતના વાહનો અટવાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨ ફેબ્રુઆરી ૨૪, સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી આડેધડ વાહનોના પાર્કિંગથી દર્દીઓ સાથે ઈમરજન્સી વાહનો અટવાઈ જતાં દર્દીઓને તથા દર્દીઓના સગા સંબંધી ઉપરાંત સરકારી તંત્રને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે એક કાર ચાલકે પોતાની કાર વચ્ચે પાર્ક કરી જતા રહેતાં ઈમરજન્સી ૧૦૮ની એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. હોસ્પિટલના તંત્ર દ્વારા સિકયુરીટી ગાર્ડ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં પાર્કિંગના નિયમોનું પાલન કરવામાં આવતું નથી.
હોસ્પિટલના પ્રવેશ દ્વારથી લઈને છેક ઈમરજન્સી વોર્ડ સુધી ખાનગી વાહનોના ખડકલો થઈ જાય છે. પરિણામે ઈમજરન્સી કેસમાં દર્દીને લાવવા લઈ જવા આવનાર ઈમરજન્સી વાહન અને પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાબતે હોસ્પિટલના તંત્રએ યોગ્ય કરવા માંગ ઉઠી છે.