ગુજરાત યુનિવર્સીટીનો મોટો નિર્ણય : યુ.જી. અને પી.જી. ના વિદ્યાર્થીઓને ઓનલાઇન પરિક્ષાનો વિકલ્પ અપાશે.
30મી એપ્રિલ સુધી કોલેજો નહીં શરૂ કરવા અંગે સરકારના નિર્ણય બાદ ગુજરાત યુનિવર્સીટીની જાહેરાત.
ગાંધીનગર: કોરોનાના વધતાં જતાં કહેરને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે આજે રાજયની કોલેજોમાં પણ ઓફલાઇન શૈક્ષણિક કાર્ય 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણયના પગલે ગુજરાત યુનિવર્સીટી દ્વારા અન્ડર ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવાની આજે મોડીસાંજે નિર્ણય કર્યો છે. જો કે લો ફેકલ્ટીને આમાંથી બાકાત રાખવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા પહેલા સેમેસ્ટરની એક વિષયની પરીક્ષા લીધા બાદ શિક્ષણમંત્રીએ 10મી એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય બંધની જાહેરાત કરતાં બાકીના વિષયોની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી.
આ પરીક્ષા 10મી એપ્રિલ પછી તા.12મી એપ્રિલથી લેવાનુ નક્કી કર્યુ હતુ. જોકે, કોરોના મહામારી વધતાં યુનિવર્સિટીએ ઓફલાઇન પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. તે પણ રદ કરવાની જાહેરાત કરી દીધી છે.
હવે સરકાર દ્વારા 30મી એપ્રિલ સુધી કોલેજોમાં વિદ્યાર્થીઓને ઓફલાઇન ન બોલાવવા તાકીદ કરી છે.
આ સ્થિતિમાં 30મી એપ્રિલ સુધી કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થવાનુ નથી જેથી પહેલા સેમેસ્ટરની બાકીના વિષયોની પરીક્ષા હવે 30મી એપ્રિલ સુધી ઓફલાઇન સીસ્ટમથી લઇ શકાય તેમ નથી. જેના કારણે હવે આગામી દિવસોમા આ પરીક્ષા માત્ર ઓનલાઇનથી લેવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે પછી વિદ્યાર્થીઓને ઓફલાઇન એક્ઝામ આપવી છે કે ઓનલાઇન તેનો વિકલ્પ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન એક્ઝામ માટેની તૈયારી દર્શાવશે તેઓની પરીક્ષા 30મી એપ્રિલ પહેલા પૂરી કરી દેવામાં આવશે.
અન્ય વિદ્યાર્થીઓ કે જેઓ ઓફલાઇનનો વિકલ્પ આપશે તેમની પરીક્ષા 30મી પછી પરિસ્થિતિ સુધરે ત્યારબાદ લેવામાં આવશે.
આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 1 ઉપરાંત આર્ટસ, કોમર્સ અને સાયન્સમાં સેમેસ્ટ 4 અને 6ની બાકી રહેલી પરીક્ષાઓમાં પણ ઓનલાઇન-ઓફલાઇનનો વિકલ્પ આપવામાં આવશે. ઓનલાઇન વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી કરી દેવામાં આવશે.
એક વિષયની પરીક્ષા ઓફલાઇન પ્રમાણે આપી ચુકેલા વિદ્યાર્થીઓને પણ હવે બાકીના વિષયો માટે ઓફલાઇન અને ઓનલાઇન એક્ઝામનો વિકલ્પ આપવામાં આવશે.