જામનગરમાં લેન્ડ ગ્રેબિંગ અંગેનો વધુ એક ગુનો નોંધાયો
- હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં ૫.૪૦ લાખ માં મકાનનો સોદો કર્યા પછી મકાન નહીં આપી પચાવી પાડયા ની ફરિયાદ
- આરોપી :- ગફારભાઇ જુમાભાઇ ખીરા રહે.નીલકંઠનગર, હર્ષદ મીલ ચાલી, જામનગર
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ જાન્યુઆરી ૨૪, જામનગર શહેરમાં લેન્ડ ગ્રેબિંગ અંગેનો વધુ એક ગુનો દાખલ થયો છે. હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં એક શખ્સે પોતાનું મકાન ૫.૪૦ લાખ માં વેચાણ થી આપી દીધા પછી રકમ મેળવી લઈ મકાનનો કબજો નહીં આપી લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ અરજી કરાયા પછી મકાન માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મસીતીયા ગામમાં રહેતા અને ગેરેજ ચલાવતા યુસુફભાઈ જુસબભાઈ ખફી નામના ૩૮ વર્ષના સુમરા યુવાને હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા ગફાર જુમાભાઇ ખીરા સામે લેન્ડ ગ્રેબિંગ એકટ અંગેની ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને આરોપી ગફાર ભાઈ ખીરા સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અને અધીનિયમ ૨૦૨૦ ની કલમ ૪(૩), ૫ (ગ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુસુફભાઈએ આજથી બે વર્ષ પહેલાં હર્ષદ મિલ ની ચાલી વિસ્તારમાં રહેતા ગફર જુમાભાઈ ખીરા નામના શખ્સનું મકાન વેચાણ દસ્તાવેજથી ખરીદ કર્યું હતું, અને તેના દસ્તાવેજ બનાવી લીધા પછી પાંચ લાખ ચાલીસ હજારની રકમ ચૂકવી દીધી હતી. ત્યારબાદ ૧૫ દિવસમાં મકાન ખાલી કરી ને સોંપી દેશે તેવો વાયદો કર્યા પછી આજ દિન સુધી મકાન સોંપ્યું ન હતું, અને મકાન પચાવી પાડ્યું હતું.
જે સમગ્ર મામલો જિલ્લા કલેક્ટર સમક્ષ લઈ જવાયો હતો, અને લેન્ડ ગ્રેબિંગ અંગે અરજી કરવામાં આવી હતી. જે અંગે પોલીસ મારફતે તપાસણી કરાવાયા પછી ગેરકાયદે મકાનનો કબજો પચાવી પાડ્યો હોવાનું તારણ નીકળ્યું હોવાથી આરોપી ગફર ખીરા સામે ગુનો નોંધાયો છે.