જામનગરમાં ખોરાક અને ઔષધ નિયમન કમિશ્નરના દરોડા : ૫૫૦ લીટરથી વધુ ભેળશેળયુક્ત ઘી’નો જથ્થો જપ્ત કરાયો

0
1559

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જામનગર ખાતેથી રૂ. ૨.૫ લાખની કિંમતનો ૫૫૦ લીટરથી વધુ ભેળશેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો

  • ઘીનો ૧૨૦ લી., વનસ્પતિ તેલનો ૩૨ લી., પામોલીન તેલનો ૧૦૦ લી. અને ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો ૩૦૦ લી. જથ્થો જપ્ત: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૯ જાન્યુઆરી ૨૪ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર કચેરી દ્વારા ઘીમાં ભેળશેળ કરતી પેઢી ખાતે રેડ કરી રૂ. ૨.૫ લાખની કિંમતનો આશરે ૬૦૦ લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટેનો ફુડ પરવાનો ધરાવતા હતા, પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો. ઘીમાં ભેળશેળ કરવા માટેના વનસ્પતિ તથા પામોલીન તેલ પણ મળી આવ્યું હતું.પેઢીના માલીક મહેશકુમાર ચાંદ્રા પાસેથી રાજભોગ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એડલ્ટન્ટરન્ટ તરીકે વનસ્પતી તથા પામોલીન તેલ, ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટ મળી સ્થળ પરથી કુલ ૦૬ નમૂનાઓ લેવામાં આવ્યા છે. નમૂના લીધા બાદ ઘીનો ૧૨૦ લી., વનસ્પતિ તેલનો ૩૨ લી., પામોલીન તેલનો ૧૦૦ લી. અને ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો ૩૦૦ લી. મળી કુલ ૫૫૦ લી.થી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાધપદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.