જામનગરમાં ઓટો રિક્ષામાં મુસાફરી કરનાર યુવાનની રૂપિયા ૨૫ હજારની રોકડ રકમ ચોરી કરી લેવાના પ્રકરણ પરથી પડદો ઉચકાયો
- રોકડ રકમ પડાવી લેનાર રીક્ષા ચાલક અને તેના એક સાગરીતની અટકાયત: રીક્ષા અને રોકડ કબજે: અન્ય શખ્સ નું નામ ખુલ્યું
દેશ દેવી ન્યુઝ જામનગર ૧ નવેમ્બર ૨૩ જામનગરમાં તાજેતરમાં જકાતનાકા પાસેથી રિક્ષામાં બેસીને પ્રવાસ કરનારા એક મુસાફરના ખિસ્સામાંથી રૂપિયા ૨૫,૦૦૦ની રોકડ રકમની ચોરી થઈ ગઈ હતી, જે ચોરીના પ્રકરણ પરથી સીટી સી. ડિવિઝને પડદો ઊંચક્યો છે, અને રોકડ રકમની ચોરી કરનાર રિક્ષાચાલક અને તેના એક સાગરીતની અટકાયત કરી લઈ, રીક્ષા તથા રોકડ કબજે કરી છે. જેમાં મદદગારી કરનાર રાજકોટના અન્ય એક સાગરીત નું નામ પણ ખુલ્યું છે.જામનગરમાં ચાર દિવસ પહેલાં જકાતનાકા પાસેથી રિક્ષામાં મુસાફરી કરનારા એક યુવાનના ખિસ્સામાંથી રૂપિયા ૨૫૦૦૦ ની રોકડ રકમની ચોરી થઈ ગઈ હતી. જેથી આ બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. ઉપરોક્ત ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝન પોલીસ ની ટીમને સફળતા સાંપડી છે અને રાજકોટના રહેવાસી રીક્ષા ચાલક સચિન ઢોંગીરામ આમકર નામના મરાઠી શખ્સ અને તેના સાગરિત રાજકોટના વતની ધનજીભાઈ દેવજીભાઈ ગેડાણી ની અટકાયત કરી લીધી છે. જયારે તેઓ પાસેથી ચોરી કરેલી રૂપિયા ૨૫,૦૦૦ ની રોકડ રકમ તેમજ જીજે- ૨૫ વી ૧૪૬૦ નંબરની ઓટો રીક્ષા કબજે કરી લીધી છે.પોલીસની પૂછપરછ દરમિયાન તેઓની સાથે રાજકોટમાં રહેતો વિશાલ પ્રવીણભાઈ પાટડીયા પણ જોડાયો હોવાથી અને ચોરી કરવામાં સામેલ હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.