જામનગરમાં ચડી બનીયાન ગેંગ ત્રાટકી : કનસુમરાના 4 કારખાનામાં હાથફેરો : જુવો Video

0
4048

જામનગર નાં કનસુમરા પાસે ચાર કારખાના માં ચડ્ડી – બનિયાનધારી ટોળકી ત્રાટકી

  • જુદા જુદા ચાર કારખાનાઓમાં કર્યો હાથ ફેરો: પોલીસ તંત્ર દોડતું થયું: સીસીટીવી કેમેરામાં કેદ થતા તસ્કરો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૨ ઓકટોબર ૨૩, જામનગર નજીક નાં કનસુમરા પાસે આવેલા ખાનગી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાર કારખાનામાં ગઈરાત્રે ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી. ચારેય કારખાનામાંથી કેટલોક સામાન, રકમ ચોરાઈ ગયો છે. તસ્કરો સીસીટીવી કેમેરામાં જોવા મળતાં પોલીસે તપાશ શરૂ કરી છે.જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-૨ અને ૩ નજીક આવેલા કનસુમરા પાસેના ખાનગી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલા રામ મેટલ્સ, બિપીન બ્રાસ, ક્રિષ્ના પ્રોડક્ટસ અને ખીરા સ્ટીલ નામના ચાર કારખાના માં ગઈરાત્રે તસ્કરો ઘૂસ્યા હતા. તસ્કરોએ ચારેય કારખાનામાં ટેબલ નાં ખાના ફંફોળ્યા હતા અને માલસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. જેની આજે સવારે કારખાને આવેલા તેના સંચાલકોને જાણ થઈ હતી. તરત જ પોલીસને જાણ કરાતા પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે આ કારખાનાઓ માંથી રોકડ રકમ કે માલ સામાનની ચોરી થઈ છે તેની તપાસ શરૃ કરી છે.

આ કારખાનાઓમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવતા કેટલાક કેમેરાઓમાં ચડ્ડી-બનિયાન પહેરેલા ચાર શખ્સ કારખાનાનું શટર ઉંચકાવી અંદર ઘૂસી જતાં હોવાનું દેખાઈ આવ્યું છે. મોઢા ઉપર બુકાની બાંધેલા આ શખ્સોની સંખ્યા ચાર હોવા ઉપરાંત તેઓ કઈ તરફથી આવ્યા તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.આથી પોલીસે તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે, આ પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આઠેક દિવસ પહેલા પણ ચોરીનો પ્રયાસ થયો હતો. તે પછી ગઈરાત્રે ચાર કારખાનામાં હાથફેરો થયો છે. આઠેક દિવસ પહેલા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું કારખાનેદારો જણાવી રહ્યા છે પરંતુ ચોરીનો પ્રયાસ જ થયો હોય સંભવિતઃ રીતે તેને ગંભીર રીતે લેવામાં ન આવ્યા પછી ગઈકાલે એક સાથે ચાર કારખાનામાં તસ્કરો ચોરી કરી ગયા છે.જો કે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવાઈ નથી.