ખંભાળિયાના કમિશન એજન્ટ આપઘાત પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયા

0
3929

ખંભાળિયાના કમિશન એજન્ટ આપઘાત પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૯ ઓક્ટોબર ૨૩ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા એક આહીર આધેડે ગત તારીખ 3 ના રોજ ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લેતા આ પ્રકરણમાં મૃતકના પુત્રી દ્વારા માંગરોળ, જુનાગઢ વિગેરે ગામે રહેતા કુલ સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ખંભાળિયા પંથકમાં ભારે ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેડૂતો પાસેથી મગફળી સહિતની ખેતપેદાશો લઈ અને કમિશનથી વેચી આપતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા નામના 50 વર્ષના આહીર આધેડ દ્વારા કેટલાક વેપારીઓને અહીંથી ખેતપેદાશ મોકલી દીધા બાદ તેમને આ રકમ ન મળતા આર્થિક સંકડામણમાં આવી જતા તેમણે ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો હતો.આ અંગે મૃતક ભાયાભાઈની પુત્રીએ માંગરોળ તાલુકાના બામણવાડા ગામે રહેતા રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા તેમના પુત્ર ક્રિષ્ના ઉપરાંત મૂળુભાઈ બાબુભાઈ પિઠીયા, અજય બાબુભાઈ પિઠીયા તેમજ સંજય બારડ અને મુકેશ સામે આશરે રૂપિયા બે કરોડથી વધુ રકમ મેળવી લીધા બાદ આ રકમ મૃતક ભાયાભાઈને આપવામાં ગલ્લા તલ્લા કરવા ઉપરાંત તેમને મારી નાખવાની ધમકી આપી હોવાથી કંટાળીને આર્થિક મંદીમાં ઘેરાઈ ગયેલા ભાયાભાઈ જગાભાઈ ચાવડાએ આપઘાત કરી લીધો હતો.આત્મહત્યા કરવા પૂર્વે તેમણે વિડીયો બનાવીને વાઇરલ પણ કરતા આ અંગે પોલીસે રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા, ક્રિષ્ના રમેશભાઈ પિઠીયા, મૂળુભાઈ બાબુભાઈ પિઠીયા, અજય બાબુભાઈ પિઠીયા, રોહિત તથા સંજય બારડ અને મુકેશ નામના સાત વ્યક્તિઓ સામે આઈપીસી કલમ 306, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અહીંના પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા વિવિધ દેશોમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

જે અંગેની તપાસમાં પોલીસે મુખ્ય આરોપી રમેશ પિઠીયા, તેમના પુત્ર ક્રિષ્ના ઉપરાંત તેમના ભાણેજ મુકેશ મેરામણ નંદાણિયાની વિધિવત રીતે અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા આરોપીઓને આજરોજ સાંજે અહીં અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ ધરપકડ માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.