જામનગરમાં યુવાનની હત્યાની કોશિષ પ્રકરણમાં કોંગી કોર્પોરેટર અસલમ ખીલજી સહિત સાત સામે ગુન્હો દાખલ
- સાત શખ્સોએ સ્કૂટરની ઠોકર મારી પછાડી દઈ તલવાર તથા લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૬ સપ્ટેમ્બર ૨૩ જામનગર શહેરમાં સુભાષમાર્કેટ મોચીસાળના ઢાળિયા પાસે રહેતો અબ્બુ સુફિયામ કુરેશી જુનેદ ચૌહાણને ત્યાં નોકરી કરતો હતો અને કપડાના વેપારી જુનેદ ચૌહાણને કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી સાથે ઘણાં સમયથી રાજકીય મનદુ:ખ ચાલતું હતું. જે સંદર્ભે અબ્બુ સુફિયામ સાથે પણ અસલમે બે માસ પહેલાં માથાકૂટ કરી અને જુનેદભાઈની પત્ની કાસ્મીરાબેન સાથે બોલાચાલી કરી માથાકૂટ કરી ધમકી આપી હતી.
આ મનદુ:ખનો ખાર રાખી કોર્પોરેટર અસલમ કરીમ ખીલજીએ પૂર્વ આયોજિત કાવતરુ રચી શુક્રવારની રાત્રિના સમયે મહાપ્રભુજી બેઠકથી રાધિકા સ્કૂલ વચ્ચેના રોડ પર અબ્બુ સુફિયામ અને તેનો મિત્ર બહાર જતા હતાં તે દરમિયાન અસલમ કાદર શેખ, આફતાબ ઉર્ફે અપુ વાઘેર, ગની બસર વાઘેર, અસલમ કરીમ ખીલજી અને ત્રણ અજાણ્યા સહિતના શખ્સોએ અબ્બુ સુફિયામના સ્કુટરને પાછળથી ઠોકર મારી પછાડી દીધો હતો. ત્યારબાદ હુમલાખોરોએ એકસંપ કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
તેમજ અબુ સુફિયામ ઉપર તલવાર વડે કપાળમાં જીવલેણ હુમલો કર્યો હતો અને લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ હુમલાખોરો નાશી ગયા હતાં અને ત્યારબાદ ઘવાયેલા અબ્બુ સુફિયામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમ્યાનમાં મોચીસારના ઢાળીયે રહેતા અબુસુફીયાન કુરેશી દ્વારા ઉપરોક્ત બનાવ અંગે સીટી-એ ડીવીઝનમાં અસલમ કાદર શેખ, આબતાબ ઉર્ફે અપ્પુ વાઘેર, ગની બસર વાઘેર, ગની બસરનો ભાણેજ-ભત્રીજો, અસલમ કરીમ ખીલજી અને બે અજાણ્યા ઇસમો વિરૂઘ્ધ આઇપીસી કલમ-307, 325, 323, 143, 147, 148, 149, 279, 120 (બી), જીપીએકટ 135 (1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના આધારે સીટી એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડા અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, કોર્પોરેટર સહિતના સાત શખ્સો વિઘ્ધ જીવલેણ હુમલો, કાવત અંગેની ફર્યિાદ દાખલ થતાં શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે, પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.