જામનગરમાંથી “કપડા ચોર” તસ્કરને દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ

0
2654

જામનગરના દિગ્જામ સર્કલ નજીકની દુકાનમાં થયેલ ચોરી પ્રકરણમાં એક ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૩ સપ્ટેમ્બર ૨૩ જામનગરના દિગ્જામ સર્કલ વિસ્તારમાં આવેલી રાજ કલેકશન નામની કપડાની દુકાનના શટર ઉચકાવીને અંદર ત્રાટકેલા તસ્કરો પેન્ટ, શર્ટ મળી 70 હજારનો મુદામાલ ચોરી કરી ગયા હતા, જે અંગે વેપારી દ્વારા સીટી-સી ડીવીઝનમાં ફરીયાદ કરવામાં આવી હતી.

દરમ્યાન જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ વણશોધાયેલા ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય આથી એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કરમટા, પીએસઆઇ ગોહિલ, પીએસઆ મોરી અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફના કિશોરભાઇ, ધર્મેન્દ્રસિંહ, ક્રિપાલસિંહ અને ધાનાભાઇને હકીકત મળેલ કે સમર્પણ સર્કલ પાસે ઉપરોકત ચોરી કરનાર શખ્સ ભેદી હિલચાલ કરી રહયો છે, જેથી ટુકડી ત્યાં દોડી જઇ દિગ્જામ સર્કલ વિસ્તાર જોગણીનગરમાં રહેતા વિક્રમ કારા કોળી (ઉ.વ.21)ને પકડી લીધો હતો. તેની પાસેથી 6 પેન્ટ, કપડાની 11 જોડી અને કપડા વેચાણના રોકડા 23500 મળી કુલ 39500નો મુદામાલ કબ્જે કર્યો હતો, પુછપરછ દરમ્યાન જોગણીનગરમાં રહેતા કૈલાશ રણછોડ વઢીયારની સંડોવણી ખુલી હતી જેની તપાસ ચલાવવામાં આવી રહી છે, આમ એલસીબીએ સીટી-સીની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.