ખંભાળીયા યુવતીને ફોટો અપલોડ કરવાની ધમકી આપનાર જંયતિની અટકાયત

0
3397

ખંભાળિયા: યુવતીને સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ધમકી આપનાર શખસની અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ સપ્ટેમ્બર ૨૩ ખંભાળિયા: ખંભાળિયામાં રહેતી એક યુવતીના “મિસ યુ લખેલા ફોટાઓ તેમજ વિડીયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ થયેલા હતા. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરના ફેસબૂક એકાઉન્ટ પર જોતા આ યુવતીના ફોટા તેમજ વિડીયો આ સોશિયલ મીડિયા એકાઉન્ટધારક એવા ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા જયંતિ રણમલ લીંબોલા (ઉ.વ. 30) દ્વારા અપલોડ કરવામાં આવ્યું હોવાનું યુવતીના ભાઈના ધ્યાને આવ્યું હતું.

જેથી તેમના દ્વારા આરોપી શખ્સને ફોન કરીને ફોટા ડીલીટ કરવા માટે સમજાવતા આરોપી દ્વારા ફરિયાદી યુવાન પાસે ફોટા અપલોડ નહીં કરવા અને ફોટા ડીલીટ કરવા માટે રૂપિયા 36,000 ની માંગણી કરવામાં આવી હતી. આટલું જ નહીં જો તેઓ પૈસા નહિ આપે તો વધુ ફોટા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તથા ફેસબૂકમાં અપલોડ કરવાની ઉપરાંત ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આ પ્રકરણમાં ફરિયાદી યુવાનની બહેનની ઓનલાઇન જાતીય સતામણી કરી, સમાજમાં બદનામ કરવાની કોશિશ કરવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 385, 506 (2), આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જે અંગેની તપાસ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર સેલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના બનાવોમાં ભોગ બનનાર વ્યક્તિ દ્વારા આત્મહત્યા કરી લેવાની સંભાવનાઓ પણ રહી રહેલી છે. ત્યારે આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા સંવેદનશીલતાપૂર્વક આ પ્રકરણની તપાસ કરવા સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચને સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવતા આ પ્રકરણમાં વિવિધ દિશાઓમાં મેન્યુઅલ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી જેન્તી રણમલ લીંબોલાની ગણતરીના કલાકોમાં અટકાયત કરી લીધી હતી.
આરોપી શખ્સ દ્વારા યુવતી સાથે સંબંધ રાખવા દબાણ કરવામાં આવતું હોવા ઉપરાંત તેના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી, ગેરકાયદેસર રીતે રકમની માંગણી કરી, તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ કરી રહ્યા છે. આ કાર્યવાહીમાં પી.આઈ. બ્લોચ સાથે સ્ટાફના એસ.વી. કાંબરીયા, મનવીરભાઈ ચાવડા, ધરણાંતભાઈ, મુકેશભાઈ, હેમંતભાઈ, રાજુભાઈ, હેભાભાઈ, પબુભાઈ, તથા મુકેશભાઈ જોડાયા હતા.