જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાંની રૂા.20 લાખની ચિલઝડપ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

0
1751

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાંની રૂા.20 લાખની ચિલઝડપ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર: તા.૨૮ ઓગસ્ટ ૨૩ જામજોધપુર ના માર્કેટિંગ યાર્ડ ના એક વેપારી પાસેથી રૂપિયા 20 લાખની રોકડ રકમ ભરેલો થેલો આંચકી લેવા અંગેના ચકચારી પ્રકરણમાં જામજોધપુર પોલીસે અગાઉ બે આરોપીઓ મુસ્તકીમ શેખ તેમજ ધવલ પટેલ નામના બે શખ્સોની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસેથી રૂપિયા 18 લાખની રોકડ રકમ કબજે કરી લીધી હતી.જ્યારે આ પ્રકરણમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના દિલીપ ઉર્ફે નુરી વિઠ્ઠલભાઈ કાંજિયા નામના પટેલ શખ્સ ની પણ સંડોવણી હોવાથી જામજોધપુર પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી.

દરમિયાન જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય. જે. વાઘેલા તેમજ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ ગાગિયા, ભગીરથ સિંહ જાડેજા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિમુબેન ચિત્રોડા વગેરે ની ટીમ દ્વારા આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી, અને ત્રીજો આરોપી દિલીપભાઈ ઉર્ફે નુરી વિઠ્ઠલભાઈ કાંજિયા કે જે મોટી પાનેલી ઉપલેટા નો વતની છે, અને હાલમાં સતાધારમાં સંતાયો છે, તેવી બાતમીના આધારે તપાસ હાથ ધરી આરોપીને સતાધાર માંથી ઉપાડી લીધો હતો. જે આરોપી સામે સીઆરપીસી કલમ 70 મુજબનું પણ વોરંટ ઇસ્યુ થયું હતું. જેને જામજોધપુર લઈ આવ્યા પછી તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. આ પ્રકરણમાં ચોથા આરોપી નામ પણ ખુલ્યું છે. જેનું નામ નરશીભાઈ રાવજીભાઈ ખાંધર કે જે હાલ નાસ્તો ફરતો રહ્યો હોવાથી જામજોધપુર પોલીસ હજુ તેને શોધી રહી છે.