ખંભાળીયા : રીક્ષામાં પાણીની મોટર ચોરી કરતા શખ્સને દબોચી લેતી LCB

0
2938

ખંભાળિયા પંથકના પાણીની મોટર ચોરી પ્રકરણનો આરોપી પકડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ જુલાઇ ૨૩ ખંભાળિયા: ખંભાળિયા પંથકમાં કેટલાક ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં રાખવામાં આવેલી પાણી ખેંચવાની સબમર્સીબલ મોટર તથા પંખાની ચોરી થયાના બનાવ બનવા પામ્યા હતા. હાલ મોહરમના તહેવાર હોય, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબુમાં રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવેલી સુચના અંતર્ગત જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કૃષ્ણપાલર્સિહ કે. ગોહિલ તથા સ્ટાફ દ્વારા ખંભાળિયા પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા નજીકના ભાણવડ માર્ગ પર આવેલી એક હોટલ પાસેથી અત્રે કોટડીયા ગામે રહેતા પ્રવીણ માંડણભાઈ ચાવડા નામના 42 વર્ષના કોળી શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

તેની પૂછપરછ તથા તપાસ દરમિયાન તેની પાસેથી રૂપિયા 21,000 ની કિંમતની પાણી ખેંચવાની ત્રણ નંગ સબમર્સીબલ મોટર, રૂ. 4,500 ની કિંમતના પાણી ખેંચવાના પંખા ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતની બજાજ ઓટો રીક્ષા તેની પાસેથી કબજે લેવામાં આવી છે. આ કાર્યવાહી બાદ ઉપરોક્ત શખ્સની વધુ તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. આરોપી પ્રવીણ માંડણ ચાવડા પોતાની રીક્ષા લઇ અને ખંભાળિયા સહિતના જુદા જુદા વિસ્તારોમાં નદી કાંઠે અથવા તળાવ પાસે રાખવામાં આવેલી ખેડૂતની મોટર જે-તે માલિકની ગેરહાજરીનો લાભ લઇ અને ચાકુ જેવા હથિયાર વડે કેબલ કાપી પોતાની ઓટો રિક્ષામાં ભરીને ચોરી કરી જતો હોવાનું વધુમાં ખુલવા પામ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એસ.વી. ગળચર સાથે એ.એસ.આઈ. અરજણભાઈ મારૂ , ડાડુભાઈ જોગલ, ભરતભાઈ જમોડ, દિનેશભાઈ માડમ, સચિનભાઈ નકુમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.