ખભાળીયા ટીંબડી ગ્રામ પંચાયતનું વિર્સજન કરવા વિકાસ કમિશનરનો આદેશ

0
1426

ટીંબડી ગ્રામ પંચાયત સસ્પેન્ડ : રાજ્યના વિકાસ કમિશનર દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ટીંબડી ગ્રામ પંચાયતનું વિસર્જન કરવાનો આપ્યો આદેશ

દેશ દેવી ન્યુઝ જામનગર  ખંભાળિયા: તા.૧૯ જુલાઈ ૨૩ ખંભાળિયા તાલુકાની ટીંબડી ગ્રામ પંચાયત કે જેમાં નવ સભ્યોનું સંખ્યાબળ છે અને તેની ધોરણસરની મુદત તારીખ 18 જાન્યુઆરી 2027 ના રોજ પૂર્ણ થનાર છે. ત્યારે ટીંબડી ગ્રામ પંચાયતનું વર્ષ 2023-24 નું વાર્ષિક અંદાજપત્ર 31 માર્ચ 2023 સુધીમાં મંજુર કરવાનું થતું હતું. પરંતુ મુદતમાં બજેટ નામંજૂર થતા દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારીના તારીખ 24 એપ્રિલ 2023 ના પત્રને અનુલક્ષીને 1993 ના ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 253 હેઠળ આ ગ્રામ પંચાયત વિરુદ્ધ કાર્યવાહી કરવા દરખાસ્ત કરવામાં આવી હતી.

આ અંગે ખુલાસો કરવા પત્ર લખતા તારીખ 9 મે 23 ના પત્ર દ્વારા બજેટ મંજૂર કરવા સંદર્ભે કોઈ નિર્ણય કરેલ ન હોય, જેથી તારીખ 16 જૂનના રોજ વિડીયો કોન્ફરન્સથી સુનાવણી યોજાયેલી હતી. જે વાવાઝોડાના કારણોસર ન થઈ શકતા તારીખ 3 જુલાઈ સુધી આ સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી. આ સુનાવણીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તલાટી, સરપંચ, ઉપસરપંચ વિગેરે હાજર રહ્યા હતા અને સુનાવણી દરમિયાન ગ્રામ પંચાયતના ચાર સભ્યો દ્વારા ગ્રામ પંચાયતનું વિસર્જન કરવા સામે તેઓને કોઈ વાંધો તકરાર ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ સમયગાળા દરમિયાન રજૂ કરવામાં આવેલું અંદાજપત્ર વિવિધ કારણોસર નામંજૂર થયું હતું.

આમ, બજેટ નામંજૂર થયેલ હોય, ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં રૂકાવટ આવે તેમ હોવા ઉપરાંત ગ્રામ પંચાયતનો વહીવટ સ્થગિત થઈ જાય તેવી પરિસ્થિતિ વચ્ચે તારીખ 15, 24, અને 31 માર્ચની બેઠકમાં ચાર વિરુદ્ધ પાંચ મતે બજેટ નામંજૂર થતાં ગ્રામ પંચાયત અસમર્થ અને નિષ્ફળ નીવડેલ હોવાનું જણાવી, કલમ 253 અન્વયે ટીંબડી ગ્રામ પંચાયતનું વિસર્જન કરવા માટેનો આદેશ તારીખ 15 જુલાઈના પત્રથી વિકાસ કમિશનર સંદિપકુમાર દ્વારા કરવામાં આવ્યો છે. તાલુકામાં સંભવિત રીતે ગ્રામ પંચાયતના વિસર્જનના પ્રથમ વખત બનેલા આ બનાવે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા પ્રસરાવી છે.