જામનગરમાં મોબાઈલ તફડાવતી બેલડીને ઝડપી લેતી એલસીબી, 15 ફોન જપ્ત કરાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ જૂન ૨૩: જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ભીડભાળવાળી જગ્યાએથી લોકોના ખિસ્સા માંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કર બેલડીને એલસીબી ની ટુકડીએ ઝડપી લીધી છે, અને તેઓ પાસેથી 15 નંગ ચોરાઉ મોબાઈલ ફોન કબજે કરી લીધા છે.
એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.વી. ચૌધરી, પીએસઆઇ કરમટા, પીએસઆઇ ગોહીલ, પીએસઆઇ મોરીની સુચના અનુસાર સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. જામનગર શહેરમાં શાક માર્કેટ ગુજરી બજાર સહિત ભીડ ભાળ વાળા વિસ્તારોમાં ગિરદી નો લાભ લઈને લોકોના મોબાઈલ ફોનની ચોરી થઈ જતી હોવાની ફરિયાદના અનુસંધાને એલસીબી ની ટુકડીએ વોચ ગોઠવી હતી, દરમ્યાન એલસીબીનીના ફીરોજ ખફી તથા શિવભદ્રસિંહ જાડેજા અને હરદીપ ધાંધલને બાતમી મળી હતી કે જામનગરના એસટી બસ સ્ટેન્ડ તથા ગુજરી બજાર અને શાક માર્કેટ વિસ્તારમાં ખાનગી વોચ ગોઠવીને બે શકમંદોને અટકાયત માં લઈ લીધા હતા, તેઓની તલાસી લેતાં બંનેના કબજા માંથી 15 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
જે મોબાઈલ ફોન અંગે પૂછ પરછ કરતાં તમામ મોબાઈલ ફોનના કોઈ બિલ ન હોવાનું અને લોકોના ગજવામાંથી સેરવી લીધા હોવાનું કબૂલી લીધું હતું. જેથી બંને શકમંદોને એલ.સી.બી. ની કચેરીએ લઈ જવામાં આવ્યા હતા, અને તેઓના નામો પૂછતાં એક શખ્સનું નામ સોનુ ઉર્ફે અજય રામઠાકુર ઉર્ફે ડુખુ જયોતીન ઠાકુર અને ઝારખંડ રાજ્યના મહાજપુર મીનાબજારનો વતની હોવાનું, જ્યારે બીજાનું નામ રોહિત કુમાર આરજુ ભુટા નોનીયા જે વેસ્ટ બંગાળ સોદપુર ચીનાકરી બજારનો વતની હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 90,000 ની કિંમતના મોબાઈલ ફોન કબજે કર્યા છે, અને બંનેની વિશેષ પૂછપરછ હાથ ધરી છે.
તપાસ દરમ્યાન સીટી-એના બે અને સીટી-બીનો એક ગુનો ડીટેકટ થયેલ છે, આરોપીઓ શહેરમાં એસટી બસ સ્ટેન્ડ, ગુજરી બજાર, શાક માર્કેટ જેવા ભીડભાડવાળા વિસ્તારમાં અવર જવર કરતા લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી કરીને અંજામ આપતા હોવાની કબુલાત કરી છે.