બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે

0
1550

બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે

  • જામનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો અને દરિયાકિનારા નજીક રહેતા કુલ 3200 લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરાયું : આજે સાંજ સુધી કુલ 8500 લોકોને સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવશે
  • જિલ્લાના 13 મીઠાના યુનિટો પર કામ કરતાં તમામ 355 અગિયારીઓને આશ્રિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા
  • સરકાર તરફથી એસડીઆરએફ અને એનડીઆરએફની બે-બે ટીમો ફાળવવામાં આવી

જામનગર તા13 જૂન 23 જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આફતને પહોંચી વળવા માટે કલેકટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવેલ છે તે મંત્રીશ્રીઓ દ્વારા ગામોની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં રહેતા લોકો, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો, કાચા મકાનો અને ઝુંપડાઓમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જામનગર શહેર અને જિલ્લાના કુલ 1300 લોકોનું ગઇકાલે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 3200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હજુ 5300 જેટલા લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની કામગીરી ચાલુ છે. જે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. આમ સ્થળાંતર કરવા પાત્ર કુલ 8500 લોકોને સુરક્ષિત આશ્રિત સ્થળો પર ખસેડવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના 0 થી 5 તથા 6 થી 10 કિમીના 39 ગામોમાં આશ્રિત સ્થાનો નક્કી કરી ત્યાં જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જિલ્લામાં મીઠાના કુલ 13 યુનિટ આવેલા છે. ત્યાં કામ કરતાં તમામ 355 અગિયારીઓને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ડિલેવરી થનાર 117 મહિલાઓને આઇડેન્ટીફાઈ કરી તે પૈકી 73 મહિલાઓને હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ છે.આમ, વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને કોઈ જાનહાનિ ન થાય તે દિશામાં તંત્ર દ્વારા કામગીરી કરી રહ્યું છે.