લાલપુર બાયપાસે નિર્માણ થનાર ઓવરબ્રિજના નડતરરૂપ દબાણો હટાવતું તંત્ર
- ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ શાખા દ્વારા ડિમોલિશન કાર્યવાહી
દેશ દેવી ન્યુઝ તા.૨ જૂન ૨૩ જામનગર: જામનગરમાં લાલપુર બાયપાસ પાસે ઓવરબ્રિજનું નિર્માણકાર્ય શરુ કરવામાં આવ્યું છે. ત્યારે આ ઓવરબ્રિજના નિર્માણમાં અવરોધરૂપ દબાણો હટાવવાની કામગીરી આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે રાખી એસ્ટેટ શાખાના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા આ ડિમોલિશન કાર્યવાહીનો સવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જામનગર શહેરની ભાગોળે લાલપુર બાયપાસ ચોકડી નજીક અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે લાલપુર બાયપાસ નજીક ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે અને અકસ્માતના પ્રમાણ ઘટાડી શકાય તે માટે ઓવરબ્રિજનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેને લઇ ઓવરબ્રિજની કામગીરીમાં અવરોધરૂપ દબાણો હટાવવા જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી નાયબ કમિશનર બી.એન.જાનીના માર્ગદર્શન હેઠળ જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આજે સવારથી જ એસ્ટેટ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે લાલપુર બાયપાસ ચોકડીથી ખંભાળિયા બાયપાસ તરફ જતાં રસ્તા પર એપલ ગેઇટ સુધી નડતરરુપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ અધિકારી એન.આર. દિક્ષીતએ જણાવ્યું હતું કે, ઓવરબ્રિજ કામગીરી માટે નડતરરૂપ દિવાલો, રેંકડીઓ, કેબિનો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ કેટલાંક દબાણકારોને આપેલ નોટિસને ધ્યાને લઇ તેઓ દ્વારા આગામી બે દિવસની અંદર જાતે જ દબાણો દૂર કરી લેવાની પણ ખાતરી આપી હતી.