મોટા આસોટામાં પ્રેમ લગ્ન મામલે ગઢવી યુવાનની કરપીણ હત્યા

0
5837

મોટા આસોટામાં પ્રેમ લગ્નના મામલે યુવાનની કરપીણ હત્યા : મારામારીને બનાવ હત્યામાં પલટાયો

  • ધારિયું, લોખંડના પાઇપ ધોકા તથા પથ્થર વડે પ્રાણઘાતક હુમલો કરનાર સાત શખ્સો સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૯ મે ૨૩ ભાટિયા: કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા ગઢવી ડાવાભાઈ રણમલભાઈ સંધીયા (ઉ.વ. 47) તથા નાગાજણભાઈ રણમલભાઈ સંધીયા નામના બે ભાઈઓના યુવાનો દ્વારા આજથી આશરે દોઢેક વર્ષ પૂર્વે આ જ વિસ્તારમાં રહેતા હરદાસભાઈ રાયદે ગઢવીના પરિવારની યુવતીઓ સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હોવાથી આ બાબતે છેલ્લા ઘણા સમયથી જોગાણી તથા સંધીયા પરિવાર વચ્ચે મનદુ:ખ ચાલ્યું આવતું હતું.

આ દરમિયાન રવિવારે રાત્રિના સમયે મોટા આસોટા ગામના ભોલા વરજાંગ જોગાણી, કારૂ વારજાંગ જોગાણી, જીવા ભીખા જોગાણી, જગુ ભીખા જોગાણી, કુંભા વીરા જોગાણી, દેવીયા કુંભા જોગાણી અને પોલા કુંભા જોગાણી નામના સાત શખ્સો લોખંડના પાઇપ, ધારીયા, લાકડીના ધોકા તથા પથ્થર જેવા હથિયારો સાથે ધસી આવી, ગેરકાયદેસર રીતે મંડળી રચી અને સામાન ઇરાદો પાડવાના ઇરાદે નાગાજણભાઈ રણમલભાઈની વાડીએ ઘસી આવ્યા હતા અને આ સ્થળે રહેલા ડાવાભાઈ રણમલ સંધીયા અને નાગાજણભાઈ રણમાલભાઈ સંધીયા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

આ ઘાતક હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ડાવાભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે નાગાજણભાઈને વધુ સારવાર અર્થે જામનગરથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ બનતા અહીંના ઇન્ચાર્જ એસ.પી. એમ.એમ. પરમારની સુચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સ્થાનિક પીએસઆઈ તથા સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી વ્યવસ્થા કરી હતી. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના ભત્રીજા નગાભાઈ ખેરાજભાઈ રણમલભાઈ સંધીયા (ઉ.વ. 28) ની ફરિયાદ પરથી સાતેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 302, 307, 325, 323, 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.