દરિયાનો વીડિયો વાયરલ થતા સલાયા મરીન પોલીસ સ્ટેશનના ત્રણ કર્મી સસ્પેન્ડ
- GRD જવાન અને અન્ય શખ્સ દરિયામાં ન્હાવા પડ્યાનો વિડીયો વાયરલ થતા કાર્યવાહી
દેશ દેવી ન્યુઝ જામનગર તા. 06 મે 23 સલાયા: ખંભાળિયા પંથકમાં આવેલા દરિયામાં કાળુભાર ટાપુ નજીક પોલીસ સ્ટાફને સરકારી બોટ મારફતે પેટ્રોલિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. આ માટે સલાયા મરીન પોલીસ મથકના ત્રણ પોલીસકર્મી દ્વારા સરકારી બોટ મારફતે એક જી.આર.ડી.ના જવાન તથા અન્ય એક સ્થાનિક શખ્સને બોટમાં લઈ જવામાં આવ્યા હતા.
દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ બોટમા હતા ત્યારે જી.આર.ડી.નો જવાન તથા અન્ય એક શખ્સ દોરડું બાંધી અને બોટમાંથી દરિયામાં નહાવા પડ્યા હતા. જે અંગેનો વિડીયો વાયરલ થઈ ગયો હતો. આ કૃત્યથી કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનું ખુલવા પામતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમાર દ્વારા તાકીદની કાર્યવાહી કરી, ઉપરોક્ત ત્રણેય હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલને ફરજ મુક્ત કરવા માટેનો હુકમ કરાયો છે.
આ સમગ્ર પ્રકરણ અંગેની વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે LCB વિભાગને પણ હુકમ કરવામાં આવ્યો છે. જેથી એલસીબીના પી.આઈ કૃષ્ણપાલસિંહ ગોહિલ દ્વારા આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સલાયા મરીન પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના આ સમગ્ર પ્રકરણથી જિલ્લાના પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે.