સલાયામાંથી ધો. 10 ની ડુપ્લીકે માર્કશીટ બનાવવાનું કૌભાંડનો પર્દાફાશ
- 66 બનાવટી માર્કશીટ સાથે સલાયાના એક શખ્સની અટકાયત: મુંબઈના એક શખ્સનું નામ ખૂલ્યું
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨ મે ૨૩: ખંભાળિયા તાલુકાના સલાયામાં બારાઈ ફળિયુ વિસ્તારમાં આવેલી એક દરગાહની બાજુમાં રહેતા અને પરોડીયા રોડ ઉપર અલ ફેઝે કાસીમ નામની દુકાન ધરાવતા તથા અહીં કોમ્પ્યુટર જોબવર્ક કરતા અજીમ અકબર સાલેમામદ કુંગડા (ઉ.વ. 21) નામના શખ્સ પાસેથી થોડા સમય પૂર્વે ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ – ગાંધીનગર ની 66 જેટલી માર્કશીટ મળી આવી હતી. પોલીસ તપાસમાં આ તમામ સર્ટિફિકેટ ડુપ્લીકેટ હોવાનું ખુલવા પામ્યું હતું. વર્ષ 2010 થી માર્ચ 2020 સુધીના સમયગાળા દર્શાવતી ધોરણ 10 ની ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ – ગાંધીનગરની ઉપરોક્ત માર્કશીટમાં અસ્પષ્ટ રાઉન્ડ શીલ તથા એક્ઝામિનેશન સેક્રેટરીની ડિજિટલ સહી પણ જોવા મળી હતી.
ડુપ્લીકેટ માર્કશીટ સાથે ઝડપાયેલા અજીમ અકબર સાલેમામદ કુંગડાની પૂછપરછમાં સલાયા તથા અન્ય વિસ્તારના રહીશો કે જેને વિદેશમાં સારા પગારથી વહાણ કે બોટમાં નોકરી મેળવવી હોય, તેઓને અનિવાર્ય એવા સ્ટાન્ડર્ડ ઓફ ટ્રેનિંગ સર્ટિફિકેટ એન્ડ વોચ કીપિંગ (એસ.ટી.સી.ડબલ્યુ.) નું સર્ટિફિકેટ મેળવવા માટે ધોરણ 10 નું ગુજરાત માધ્યમિક બોર્ડનું સર્ટિફિકેટ અનિવાર્ય હતું. જેથી ઉપરોક્ત શખ્સ દ્વારા આ રીઝલ્ટ સ્કેન કરી અને કોમ્પ્યુટરના પીક્સ આર્ટ એપ્લિકેશનની મદદથી ધોરણ 10નું ખોટું સર્ટીફીકેટ બનાવી આપવામાં આવતું હતું.
આ સર્ટિફિકેટ માટે તેના દ્વારા થોડા સમય પૂર્વે તેના પરિવારજનની ભલામણથી મુંબઈ ખાતે રહેતા અને રમન્ના ઇન્ડસ્ટ્રીઝના એમ.પી. સિંઘ નામના એક શખ્સનો સંપર્ક કરી, તેઓએ મિલીભગત હાજરી અને અહીંથી ધોરણ 10 નું ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવી અને અલગ અલગ એકેડેમીમાં એડમિશન લેવા માટે એસ.ટી.સી.ડબલ્યુ. (જ.ઝ.ઈ.ઠ.) નું સર્ટિફિકેટ મળે તે માટે જે-તે આસામીઓ પાસેથી પાસપોર્ટની નકલ, ધોરણ 10 નું પ્રમાણપત્ર, ફોટા જેવા ડોક્યુમેન્ટ લઈ અને મુંબઈ ખાતે એમ.પી. સિંધને મોકલી આપવામાં આવતા હતા.
ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ – ગાંધીનગર દ્વારા આવા કોઈ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં ન આવ્યા હોવાનું ખુલવા પામતા ઝડપાયેલા અજીમ અકબર તથા મુંબઈના એમપી. સિંઘ દ્વારા મિલીભગત આચરીને ધોરણ 10 ની ડુપ્લીકેટ માર્કશીટ બનાવી STCW સર્ટિફિકેટ માટે જે-તે આસામીઓ પાસેથી રૂપિયા 35 થી 40 હજાર લેવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આથી પોલીસે 66 ડુપ્લીકેટ માર્કશીટ, રૂ. 15,000 નું કોમ્પ્યુટર તથા રૂપિયા 8,000 ની કિંમતનું કલર પ્રિન્ટર કબજે લઈ, આરોપી અજીમ કુંગડાની અટકાયત કરી, મુંબઈના એમ.પી. સિંઘની શોધખોળ હાથ ધરી છે.
આ પ્રકરણમાં એસ.ઓ.જી. વિભાગના હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ બી. જાડેજાની ફરિયાદ પરથી બંને શખ્સો સામે સલાયા મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 120 (બી), 465, 468 તથા 471 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. અને વધુ તપાસ ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. હરદેવસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, દિનેશભાઈ ચાવડા વગેરે દ્વારા કરવામાં આવી હતી.