LLB ના વિદ્યાર્થીને માર મારી વીજશોક આપવાના પ્રકરણમાં કાલાવડના પી.આઈ. સહિત 12 પોલીસ કર્મચારીઓ સામે નોંધાતો ગુનો.

0
124

LLB ના વિદ્યાર્થીને માર મારી વીજશોક આપવાના પ્રકરણમાં કાલાવડના પી.આઈ. સહિત 12 પોલીસ કર્મચારીઓ સામે નોંધાતો ગુનો.

જામનગર :

જામનગર જિલ્લાના કાલાવડના એક યુવાનને પોલીસ મથકમાં લઈ જઈ માર મારી ઇલેક્ટ્રિક શાક આપવા અંગે તેમજ તેના પરિવારને પણ માર મારી પચાસ હજાર રૂપિયાની માગણી કરવા અંગેના ચકચારી પ્રકરણમાં જામનગરની અદાલતે પુરાવાઓ એકત્ર કર્યા પછી એક પીઆઈ અને બે પીએસઆઇ સહિત 12 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધતાં પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. જેમાં એક નિવૃત્ત પોલીસ કર્મચારી ગુજસીટોકના આરોપી પણ સામેલ છે.

કાલાવડમાં રહેતા અને ’લો’નો અભ્યાસ કરતા અફઝલ તૈયબભાઈ દોઢીયા નામના એક વ્યક્તિને ગત 12.9.2015 ના દિવસે જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન તેણે જુદા જુદા 12 પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાને 10.9.2015ના રોજ કાલાવડ પોલીસ સ્ટેશનના પી.આઈ. વીંછી, પીએસઆઈ બાંટવા, પોલીસ કોન્સ્ટેબલ ગૌતમ મકવાણા, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ વગેરે દોઢ વાગ્યે તેના ઘરેથી જગાડી પત્ની તથા માતા-પિતાની હાજરીમાં ગાળો કાઢી મારફૂટ કરી હતી, અને 50 હજાર રૂપિયાની માગણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત પોતાને અને પોતાના પરિવારને માર મારી સૌપ્રથમ કાલાવડ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા, અને ત્યાંથી રાત્રિના કાલાવડના માટલી ગામે લઇ જઇ જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસના પીએસઆઇ ચૌધરી, અને સ્ટાફને સોંપી આપ્યો હતો.
ત્યાંથી પંચકોશી એ ડિવિઝનમાં લાવી અને પોલીસ સ્ટેશનમાં પચાસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

જે રૂપિયા આપવાની ના પાડતા પીએસઆઇ ચૌધરીની ચેમ્બરમાં અફઝલના બંને હાથ પાછળ હાથકડીથી બાંધી ઇલેક્ટ્રિક શાક આપવામાં આવ્યા હતા. અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.

ઉપરાંત પ્રાઇવેટ ભાગમાં પણ ઈલેક્ટ્રીક શાક આપ્યા હતા.

તે અંગેની મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ પરથી અદાલત દ્વારા ફરિયાદીનું હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ફરિયાદ પરથી કોર્ટ ઇન્કવાયરી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

જે ઇન્કવાયરી ના કામે અફઝલભાઈ તેના પિતા તૈયબભાઈ, પત્ની શકીનાબેન, માતા રહેમતબેન તેમ જ જીજી હોસ્પિટલનાં તબીબ વગેરેના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જે નિવેદનો પછી અને ફરિયાદમાં કાલાવડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બાટવા, પોલીસ કોસ્ટેબલ ગૌતમ મકવાણા, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ, પોલીસ કર્મચારી અશોકભાઈ, કાલાવડ પોલીસ સ્ટેશનના પીઆઇ વીંછી, પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઇ, પંચકોશી એ ડિવિઝનના પોલીસ કર્મચારી દિગુભા, ડ્રાઇવર જાનીભાઈ, પીએસઆઇ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ, રાઇટર ભીખાભાઈ તથા હાલ ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા નિવૃત પોલીસ કર્મચારી વશરામ ભાઈ આહીર વગેરે સામે આઇપીસી કલમ 323,330,384,504, અને 114 મુજબના ગુના સબબનો કેસ નોંધવાનો હુકમ એડિશનલ ચીફ સેક્રેટરી પી.કે.જ્ઞાાનચંદાની દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2015માં કાલાવડમાં સોશ્યલ મીડિયા પર ધાર્મિક ઉશ્કેરણીજનક પોસ્ટ કર્યાના બનાવમાં એક ટોળાએ એક યુવકને માર માર્યો હતો. એમાં અફઝલ પણ આરોપી હતો. જોકે તેણે ધરપકડ પર સ્ટે મેળવ્યો હતો.

આમ છતાં પોલીસ તેને ઉઠાવી ગઈ હતી. બાદમાં પંચકોશી પોલીસ મથકના ગુનામાં તેની અટકાયત બતાવી ટોર્ચર પર ઢાંકપિછોડાનો પોલીસે પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.