જામનગરમાં લુખ્ખા તત્વો બેફામ, પોલીસકર્મી ઉપર કાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસથી ચકચાર
- પોલીસ સ્ટેશને આવવા માટે સમજાવતા ત્રણ શખ્સોએ પોલીસકર્મીની ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી ત્રણ શખસોનું ‘કારનામું’
- પિતા પુત્રો ઉપર વધુ ત્રણ ફરીયાદ નોંધાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ માર્ચ ૨૩ : જામનગર શહેરના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ગઇકાલ મંગળવારે સાંજના સમયે રવિ પાર્ક વિસ્તારમાં તપાસ માટે ગયા હતાં ત્યાં આરોપીઓને પોલીસ સ્ટેશને આવવા માટે સમજાવતા ત્રણ શખ્સોએ પોલીસકર્મીની ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી પોલીસકર્મી ઉપર સ્કોર્પિયો કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. ઉપરાંત આ ત્રણ પૈકીના બે શખ્સો વિરૂઘ્ધ વધુ ચાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
હત્યાના પ્રયાસના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાવેદભાઈ વજગોળ નામના પોલીસકર્મી મંગળવારે સાંજના સમયે રવિ પાર્ક વિસ્તારમાં તપાસ સબબ ગયા હતાં અને ત્યાં કાના કેસુર ભુતિયા અને સંજય કાના ભુતિયા નામના બે શખ્સોને પોલીસ સ્ટેશને આવવા માટે સમજાવતા હતાં ત્યારે કાના ભુતિયા અને સંજય ભુતિયા એ પોલીસ સ્ટેશને આવું નથી એમ કહી અપશબ્દો કહ્યા હતા અને અમે અમારી રીતે પોલીસ સ્ટેશને આવશું તેમ કહી તેની જીજે-10-એસી-8183 નંબરની સ્કોર્પિયો કારમાં બેસી ગયા હતાં ત્યારે કાના ભુતિયા અને ભાવેશ કાના ભુતિયાએ ‘પોલીસવાળા ઉપર સ્કોર્પિયો ચડાવી દે એટલે આડા આવતા મટે’ તેમ કહ્યું હતું. જેથી સંજય ભુતિયાએ સ્કોર્પિયો કાર પોલીસકર્મી ઉપર ચડાવી દઈ હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતાં સ્કોર્પિયો પોલીસકર્મીના પગ ઉપર ચડાવી દીધી હતી. જેના કારણે પોલીસકર્મીને ઈજા પહોંચી હતી.
ત્યારબાદ ઘવાયેલ પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડડવામાં આવ્યાં હતાં. જ્યાં પીઆઈ પી.એલ. વાઘેલા તથા સ્ટાફે પોલીસકર્મીની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરી સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કર્યાના બનાવ અંગે કાના કેસુર ભુતિયા, સંજય કાના ભુતિયા અને ભાવેશ કાના ભુતિયા નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને પોલીસ કર્મીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.