જામનગરના ‘નટવરલાલ’નું વધુ એક મોટું કારસ્તાન: કારખાનેદાર સાથે આચરી રૂા.૨૪ લાખની છેતરપીંડી
- અગાઉ આવકવેરા ખાતામાં નોકરીની લાલચ આપી અનેકને છેતર્યા, આરોપી જેલમાં હોય અને નવું કાંડ બહાર આવ્યું
દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૧૬ ફેબ્રુઆરી ૨૩ જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા અને બ્રાસપાટ નો વ્યવસાય કરતા રવજીભાઈ પ્રાગજીભાઈ ધારવીયા નામના વેપારીએ પોતાની સાથે રૂપિયા 23.98 લાખની છેતરપિંડી કરવા અંગે જામનગરના વિશાલ હેમંતભાઈ કણસાગરા સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે આ કાર્યમાં મદદ કરી કરી તેને મૃત જાહેર કરવા અંગે તેના પિતા હેમતભાઈ કણસાગરા સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ગત તારીખ o૧-૧-૨૦૧૯ ના દિવસે ફરિયાદી વેપારી પાસે આરોપી વિશાલ કણસાગરા આવ્યો હતો, અને પોતે ભારતની ખ્યાતનામ હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીના કર્મચારી તરીકે કામ કરે છે, અને બ્રાસ પાર્ટ નો માલ સામાન ખરીદવો છે, તેમ કહી ૨૩.૯૮ લાખ નો માલ સામાન ખરીદી લીધો હતો, અને પછી નાણા આપ્યા ન હતા. ત્યારબાદ વેપારી દ્વારા વિશાલ કણસાગરા ની શોધખોળ કરાવતાં તેના પિતા હેમંતભાઈ કણસાગરા ના નામથી પોતે મૃત્યુ પામ્યો છે તેવી જાહેરાત કરાવી દીધી હતી. જેથી વેપારીએ પોતાના નાણા ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવ્યું હતું.
પરંતુ તાજેતરમાં વિશાલ કણસાગરા સામે જુદા જુદા પોલીસ મથકમાં લોકોને નોકરી અપાવી દેવાના બહાને ચીટીંગના ગુનાઓ નોંધાયા હતા, જેથી તેઓએ તપાસ કરી હતી. દરમિયાન હાલમાં વિશાલ કણસાગરા કે જે જેલવાસ ભોગીલ ભોગવી રહ્યો છે, જેથી જેલમાં જઈને તપાસણી કરતા પોતાની પાસેથી બ્રાસનો સામાન લઈને રફુચકકર થયેલો આરોપી હાલ જીવીત છે, તેવી જાણકારી મળી હતી. જેથી રવજીભાઈ ધારવીયા એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિશાલ હેમતભાઈ કણસાગરા અને તેના પિતા હેમંતભાઈ કણસાગરા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે વિશાલ કણસાગરા નો જેલમાંથી કબજો મેળવવા માટેની કાર્યવાહી આરંભી છે.