ખંભાળીયા હત્યા કેસમાં આજીવન કેદનો ફરાર ”મહેબુબ ખીરા” ને LCB એ દબોચી લીધો

0
2098

ખંભાળિયા: 2018 ના હત્યા કેસમાં આજીવન કેદનો ફરાર આરોપી ઝડપાયો

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા: તા.૦૮ ફેબ્રુઆરી ૨૩ ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા નરશી ભુવન પાછળના ભાગે રહેતા મહેબૂબ જુસબ ખીરા નામના શખ્સે વર્ષ 2018 માં ઘરકંકાસમાં તેમની પત્ની અને હુસેનભાઈ દોસ્તમામદ (રહે. લાલપુર) ની પુત્રી અફસાનાબેનની હત્યા નીપજાવી હતી.

આ અંગેનો કેસ ચાલી જતા અદાલતે ઉપરોક્ત શખ્સને આજીવન કેદની સજા ફટકારી હતી. છેલ્લા આશરે એક વર્ષથી રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલા ઉપરોક્ત આરોપી મહેબૂબ ખીરાએ ગત તારીખ 22 ઓગસ્ટ 2022 ના રોજ 15 દિવસની ફર્લો રજા મેળવી અને ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું. તેના બદલે આ શખ્સ જેલમાં પરત ન જતા ફરાર થઈ ગયેલા ઉપરોક્ત શખ્સ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લા LCB Pl કુષ્ણપાલસિંહ.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ તપાસ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત ASI સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને અત્રે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.

આ શખ્સનો કબજો ખંભાળિયા પોલીસને સોંપી, તેને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી LCB ના પી.આઈ. કૃષ્ણપાલસિંહ .કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એસ.એસ. ચૌહાણ, એ.એસ.આઈ. સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.