ધાર્મિક કાર્યક્રમમાં ચોરીનો તરખાટ મચાવનારી ૧૦ મહિલા સહિત ૧૫ શખ્સોની ટોળકી પોલીસ પાંજરે પુરાઇ

0
2289

જામજોધપુરમાં ધાર્મિક કાર્યક્રમમાં ચોરીનો તરખાટ મચાવનારી ટોળકી પોલીસ પાંજરે પુરાઇ

  • પાંચ મહિલાના ઘરેણાંની ચીલ ઝડપ કરનાર ગેંગના 10 મહિલા સહિત 15 ઝડપાયા : 17.55 લાખની માલમત્તા જપ્ત
  • LCBના હરદીપભાઈ ધાધલ, યશપાલસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા તથા હિરોજ ખફી તથા જામજોધપુર ટીમને મળી સફળતા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૦૩ ફેબ્રુઆરી ૨૩  જામનગર જિલ્લાના જામજોધપુરમાં ચાલી રહેલા એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નંદ મહોત્સવ સમયે ગિરદી નો લાભ લઈ પાંચ જેટલી મહિલાઓના ગળામાંથી સોનાના ચેન વગેરેની ચિલઝડપ થઈ હતી. જે અંગે જામજોધપુર પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી જામજોધપુર પોલીસ અને એલસીબી ની ટુકડીએ સતર્કતા દાખવી તપાસનો દોર ચોટીલા સુધી લંબાવ્યો હતો, અને 10 મહિલાઓ સહિતના 15 સભ્યોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી સોના ચાંદીના ઘરેણા- રોકડ રકમ તથા કાર વગેરે સહિત રૂપિયા 17.55 લાખની માલમતા કબજે કરી લીધી છે.

જામનગર જિલ્લાના જામજોધપુરમાં એક ભાગવત સપ્તાહ ચાલી રહી છે, જેમાં ગઈકાલે નંદ મહોત્સવ ઉજવાયો હતો, અને ખાસ કરીને બહેનો ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉંમટી પડી હોવાથી ગીરદીનો લાભ લઈ અલગ અલગ પાંચ મહિલાના ગળામાંથી સોનાના ચેન ની ચીલ ઝડપ થઈ હોવાનું સામે આવ્યું હતું.જે અંગે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પછી જામજોધપુરની પોલીસ ટુકડી અને એલસીબી ની ટીમ હરકતમાં આવી હતી, અને સંયુક્ત રીતે ટેકનિકલ સોર્સના આધારે તેમજ સીસીટીવી કેમેરાઓ વગેરે ના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને પોલીસને જાણવા મળ્યું હતું કે મૂળ રાજસ્થાનની એક ગેંગ કે જે ચોરી અને ચિલઝડપ ની પ્રવૃત્તિ માં સંકળાયેલી છે, જે જુદી જુદી બે કાર માર પોતે જામનગર તરફ અને જામજોધપુર પહોંચી હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી ઇ-કોપ ની મદદથી તપાસ દોર શરૂ કર્યો હતો.

દરમિયાન એલસીબી ની ટીમને જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત આરોપીઓ કાર રાજકોટ તરફ રવાના થયા છે, જેથી એલસીબી ની એક ટુકડી રાજકોટ રવાના થઈ હતી અને આરોપીઓનું લોકેશન મેળવવાનો પ્રયત્ન કરતાં તેઓ ચોટીલા સુધી પહોંચ્યાનું જાણવા મળ્યું હતું. જેથી સ્થાનિક પોલીસની પણ મદદ લેવાઈ હતી, અને ચોટીલા પાસેથી 10 મહિલા સહિતના 15 શખ્સોને દબોચી લેવાયા હતા.

તેઓ પાસેથી બે નંગ કાર, સોના ચાંદીના દાગીના રોકડ રકમ વગેરે રૂપિયા 17.55 લાખ ની માલમતા કબજે કરી લેવામાં આવી હતી, અને તમામને જામનગર એલસીબીની કચેરીએ લાવવામાં આવ્યા હતા.

પોલીસે પકડેલા મૂળ રાજસ્થાનના 15 શખ્સો સુનિલ સુરજપાલ બાવરીયા, શનિભાઈ બચુભાઈ બાવરીયા, સોનુભાઈ નરેશભાઈ બાવરીયા, જીતેન્દ્રભાઈ બહાદુરભાઈ બાવરીયા, સોનિયાબેન સનીભાઈ બાવરીયા, મોનીબેન દીપકભાઈ બાવરીયા, સુરેશનીબેન સુનિલભાઈ બાવરીયા, મોનાબેન જસમતભાઈ બાવરીયા, સરફીબેન નરેશભાઈ બાવરીયા, પુરીબેન પપ્પુભાઈ બાવરીયા ગુડિયાબેન રાકેશભાઈ બાવરીયા, સમોતાબેન મહાવીરભાઈ બાવરીયા, વિમલેશબેન અનિલભાઈ બાવરીયા, આશાબેન રાજેશભાઈ બાવરીયા, અને કોમલબેન બચુભાઈ બાવરીયા સહીત 15 આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલામાં છ નંગ સોનાના ચેન, સોનાનું મંગળસૂત્ર, બુટીયા, ચાંદીના સાંકળા, 18,000 રૂપિયાની રોકડ રકમ, 11 નંગ મોબાઈલ ફોન, અને બે ફોર વીલર વગેરે કબજે કરી લેવાયા છે.