જામનગરમાં ઘટાદાર વૃક્ષોની હત્યાનું કાવતરું: સફેદ કોલરના કાળા કામ

0
3911

જામનગરની જંયત સોસાયટી પાસેની પંકજ સોસાયટીમાં ઘટાદાર વૃક્ષોની હત્યાનું કાવતરું: સફેદ કોલરના કાળા કામ.

  • વૃક્ષોનું નિકંદન, શહેરનો વિકાસ કરશે કે પછી વિનાશ ?
  • પારકે ફળીયે ઉગેલા વૃક્ષો નું નિકંદન કાઢી નાખવાનો હિન પ્રયાસ
  • વૃક્ષના થડમાં ધીમીધારે ઝેર આપવામાં આવી રહ્યું છે : તંત્ર મૌન રાજનેતા હાવી
  • જામનગરમાં વિકાસના નામ આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા છે. તંત્ર પાસે ફુરસત નથી.
  • રહિશોના આંગણે સ્વયંભૂ ઉછરેલા વૃક્ષ કાપવા પાછળ કોનું ભેજું કામ કરી ગયું
  • રસ્તાના વિકાસના ઓઠા હેઠળ આકાર લઇ રહેલ ઓવરબ્રિજમાં ૧૦૦ થી વધુ વૃક્ષનું નિકંદન

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ જાન્યુઆરી ૨૩ જામનગર શહેરના જંયત સોસાયટી પાછળ આવેલ પંકજ સોસાયટીમાં રોડસાઇડની ફુટપાથ પર સ્વયભૂ ઉછેરલા ઘટાદાર વૃક્ષોની હત્યાનું કાવતરું સામે આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. જ્યારે નિંભર તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે.

જામનગર શહેરની પંકજ સોસાયટી-૩ માં મહાનગર પાલિકાની ફુટપાથ પર ઉગેલા ઘટાદાર વૃક્ષ નડતરરૂપ બન્યા હોય તેમ કોઈ ભેજાબાજે વૃક્ષના થડમાં કુવાડાના ધા’ મારી તેની ઉપર એસિડ છાંટી કાપવાનો પ્રયાસ કર્યોં હતો છતાં વુક્ષ ‘ન’ મરતા તેના થડમાં ડિઝલથી બાળી નાખ્યું હોવાનો બનાવ પ્રકાસમાં આવતા જ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, વિકાસ કરવાની સાથે પર્યાવરણને નુકસાન પહોંચે નહીં એ તાલમેલ જાળવી રાખવો જરૂરી છે. પરંતુ જામનગરમાં ખૂણે- ખાચરે થઇ રહેલા આડેધડ બાંધકામમાં અવરોધરૂપ વૃક્ષોનું રાજકીય તાલમેલ સાથે નિકંદન કાઢી નાખવામાં આવે છે.તેની સામે વાવવાની પ્રક્રિયા માત્ર કાગળ ઉપર રહી ગઈ છે.

પર્યાવરણપ્રેમીઓના મતે, ‘વૃક્ષનું નિકંદન કરવું પડે તેવો વિકાસ કોઇ જ કામનો નથી. વૃક્ષનું નિકંદન કરવાનું થાય તો તેટલા જ વૃક્ષનું સામે વાવેતર અને તેની જાળવણીની પણ વ્યવસ્થા થવી જોઇએ. ‘ વિકાસ કે પોતાના અંગત સ્વાર્થ માટે શહેરમાં ગ્રીનરી સમાન વૃક્ષોનું પણ મોટાપાયે નિકંદન કઢાઇ રહ્યું છે. કેટલાક વૃક્ષો માવજત, સારસંભાળના અભાવે પડી ગયા, ગત ચોમાસામાં વરસાદ, વાવાઝોડમાં તૂટી પડેલા આ વૃક્ષોના કાટમાળ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઠલવાયો હતો જેનાં લાકડા બારોબાર પગ કરી ગયા હતા વૃક્ષોનો આ ખડકલો ઘણું બધું કહી જાય છે.

વૃક્ષોનું જનત, વૃક્ષારોપણ, ગ્રીનરી, પર્યાવરણ , ઇકો ફ્રેન્ડલી વગેરે શબ્દો માત્ર ભાષણો પુરતા સિમિત રહી ગયા હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. સ્માર્ટસિટીના નામે જામનગરમાંથી વૃક્ષો ક્રમશઃ ઘટી રહ્યા હોવાનું શહેરીજનો અનુભવી રહ્યા છે. ચોમાસામાં વૃક્ષારોપણ માટે ફક્ત ઉદઘાટન સમારોહ પુરતા પાવડા-ખાતર-વૃક્ષો લઇને ફોટા પડાવીને નેતાઓ-અધિકારીઓ જતા રહે છે શહેરીજનોના માથે જવાબદારી નાંખીને હાથ અદ્ધર કરી દે છે, વિકાસ કામો પાછળ શહેરમાં વર્ષો જુના અનેક વૃક્ષો અત્યાર સુધી કાપી નંખાયા છે. એ તો ઠીક પરંતુ ચોમાસામાં દર વર્ષે વરસાદ, વાવાઝોડમાં જ હજારો વૃક્ષો પડી જતા હોય છે.

વૃક્ષને ઉછેરતા વર્ષોના વર્ષો વિતી જાય છે ત્યારે સામાન્ય તકેદારી, માવજત રાખીને વૃક્ષને પડી જતું બચાવી લેવાની મ્યુનિ.તંત્રની બેદરકારી શહેરને આવનારા વર્ષોમાં મોંઘી પડનારી છે.

પર્યાવરણના જતનની સાથે શહેરના વિકાસનું સમતુલન જાળવવામાં તંત્ર-સત્તાધીશો નિષ્ફળ રહ્યા હોવાની લાગણી શહેરીજનો અનુભવી રહ્યા છે. પંકજ સોસાયટીમાં બનેલી ઘટના નમુનો માત્ર છે. શહેરમાં જાણી જોઈને કપાયેલા આ વૃક્ષો શહેરના વિકાસની નિશાની છે કે વિનાશની નિશાની છે તે તો આવનારો સમય જ બતાવશે!