જામનગરમાં યશપાલસિંહ જાડેજા વિરદ્ધ ફાઈરીંગની ફરિયાદ કરનાર નિશા ગોંડલિયા નિકળી આરોપી : ચોંકાવનારો ઘટસ્ફોટ

0
2308

જામનગરના એડવોકેટ કિરીટ જોષીના ચકચાર ભર્યા મર્ડર કેસમાં પોતાની પર ફાયરીંગનો આરોપ મૂકનાર નિશા ગોંડલિયા જ આરોપી નિકળી.

  • નિશા ગોંડલિયાએ બિલ્ડર લાલા ગોરીયા સાથે મળી પ્લાન ઘડ્યો.
  • પોલીસે હાઇકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: નિશાએ જ રૂપિયા આપી ફાયરીંગ કરાવ્યું.
  • બીટકોઇન કાંડ-કિરીટ જોષી મર્ડર કેસમાં નિશાને ઝટકો: હાઇકોર્ટે નિશા ગોંડલિયાના આગોતરા જામીન ફગાવ્યા.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ જાન્યુઆરી ૨૩ અમદાવાદ: ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવનાર જામનગરના જાણીતા એડવોકેટ કિરીટ જોષીના ધોળેદહાડે જાહેરમાં કરપીણ હત્યાના કેસમાં સાક્ષી એવી નિશા ગુલાબદાસ ગોંડલિયા ઉપર બે શખ્સો દ્વારા ફાયરીંગના ચકચારભર્યા પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો.

પોલીસે આ પ્રકરણની તપાસનો બહુ મહત્ત્વનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં એવો ચોંકાવનારો ખુલાસો કરાયો કે, નિશા ગોંડલિયા પર ફાયરીંગ બીજા કોઈએ નહી પરંતુ તેણીએ જ આ બંને શખ્સોને રૂપિયા આપીને કરાવડાવ્યું હતું. તેની પાછળનું કારણ, બીટકોઈનકાંડમાં જામનગરના ખિલ્ડર જયેશ પટેલ સાથે થયેલી માથાફૂટ હતી અને તેને કિરીટ જોષી કેસમાં વધુ ફસાવવા પોતે આ કાવતરૂ ઘડયુ હતુ. જસ્ટિસ સમીર. જે દવેએ પોલીસ રિપોર્ટ ધ્યાને લઇ આકરા વલણ સાથે નિશા ગોંડલિયાના આગોતરા જામીન ફગાવી દીધા હતા.

જસ્ટિસ સમીર દવેએ ચુકાદામાં જણાવ્યું કે, પ્રસ્તુત કેસમાં આરોપી નિશા ગોંડલિયાએ પોતે જ ફાયરીંગનો બનાવ ઘડયો છે અને પોલીસ તપાસના રિપોર્ટમાં તેણી જ આરોપી હોવાનો ખુલાસો થયો છે ત્યારે આરોપીને આગોતરા જામીન ના આપી શકાય. દરમ્યાન નિશા ગુલાબદાસ ગોડંલિયાની આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતાં અધિક સરકારી વકીલ એલ.બી.ડાભીએ જણાવ્યું હતું કે, ગત તા.29-9-2019 ના રોજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી દસ કિલોમીટર દૂર આરાધના ધામ મંદિર નજીક એક હોટલ પાસે નિશા ગોંડલિયા નામની 28 વર્ષીય યુવતી પર એય્બુબ હરજાદા અને મુકેશ સિધી નામના બે આરોપીઓએ કિરીટજોષી મર્ડર કેસમાં જયેશ પટેલ અને યશપાલ જાડેજા વિરૂધ્ધ અરજી કરવાનો બહુ શોખ છે ને એમ કહી નિશા ગોંડલિયા તેની કાળા કલરની વર્ના કારમાં હતી ત્યારે તેણીની પર ફાયરીંગ કર્યું હતું. જેમાં એક ગોળી કારના બોનેટ પર વાગી હતી અને એક હવામાં ફાયર કરી હતી.

આરોપીઓએ નિશા ગોંડલિયાને કિરીટ જોષી મર્ડર કેસમાથી હટી જવા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નિશા ગોંડલિયાએ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે જેની વિરૂઘ્ધ નિશાએ ફરિયાદ આપી હતી તે, યશપાલ મહેન્દ્રસિંહ જાડેજાને પકડયો તો, તેની ઝીણવટભરી પૂછપરછમાં સમગ્ર કાવતરાંનો પર્દાફાશ સામે આવ્યો કે, જામનગરના બિલ્ડર જયેશ મૂળજીભાઈ પટેલ સાથે તેમના મિત્ર જીગર માડમે તેની ઓળખાણ કરાવી હતી. જયેશ પટેલ વિરૂઘ્ધ જમીન કૌભાંડ બાબતે ફરિયાદ દાખલ થઇ હતી. એ વખતે યશપાલ જેલમાં હતો. જેલમાંથી છૂટયા બાદ નિશા ગોંડલિયાનો તેની પર વોટ્સ અપ કોલ આવ્યો હતો અને તેણીએ જયેશ પટેલના કેસ બાબતે તેની સાથે વાતચીત કરી હતી પરંતુ યશપાલે વાત કરવાની ના પાડતાં નિશાએ તેને ગમે તે રીતે કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

તે જેલમાંથી છૂટયાબાદ નિશાને કયારેય રૂબરુમાં મળ્યો નથી કે તેણે કયારેય ફોન-મેસેજ પણ કર્યા નથી. પરંતુ તેને જાણવા મળેલ કે, જયેશ પટેલ અને નિશા ગોંડલિયા વચ્ચે બીટકોઇનને લઇ કંઇ બોલાચાલી અને માથાકૂટ થઇ છે અને જયેશ પટેલ મારા મિત્ર હોઇ નિશાએ અંગત દ્રેષભાવ રાખી તેમને ફસાવવા આ કાવતરૂ ઘડયુ છે. વાસ્તવમાં બનાવ બન્યાના ચાર દિવસ પહેલાંથી તેમના નાના ભાઇના લગ્ન હોઇ તેની તૈયારીમાં તેઓ રોકાયેલા હતા. આમ, યશપાલની વાતમાં સૌપ્રથમ પર્દાફાશ થયો અને પોલીસે નિશાને આરોપી તરીકે ખુલ્લી પાડવામાં બહુ મોટી સફળતા મેળવી હતી.

નિશાએ જ બિલ્ડર લાલાભાઈ સાથે મળી પ્લાન ઘડયો હતો સરકાર તરફથી જસ્ટિસ સમીર જે.દવે સમક્ષ સીલબંધ કવરમાં પોલીસ તપાસનો મહત્ત્વનો રિપોર્ટ રજૂ કરી ખુલાસો કરાયો કે, આરોપી નિશા ગોંડલિયાએ જ જામનગરના બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરિયા સાથે મળી પોતાની પર ફાયરીંગનો આખો પ્લાન ઘડયો હતો. નિશા પર ફાયરીંગ કરનાર એય્યુબ હરજાદા એ બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરિયાનો ડ્રાયવર હતો અને જયારે મુકેશ સિંધી જામનગરનો માથાભારે શખ્સ હોઇ બંનેને રૂપિયા આપી ફાયરીંગનું કામ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કરાવડાવાયું હતું. આ નિશા અિલિયા એ ચકચારભર્યા સુરતના બીટકોઇન કાંડ કેસના ફરિયાદી/આરોપી શૈલેષ ભટ્ટની સગી થાય છે અને જામનગરના ચકચારભર્યા એડવોકેટ કીરીટ જોષી મર્ડર કેસમાં સાક્ષી બની ગઇ હતી. રિપોર્ટ ધ્યાને લઇ જસ્ટિસ સમીર દવેએ આરોપીની વર્તણૂંકની બહુ ગંભીર નોંધ લીધી હતી અને તેણીના આગોતરા જામીન ધરાર ફગાવી દીધા હતા.

કિરીટ જોષી મર્ડર કેસ…ગત તા.28-4-2018 ના રોજ જામનગરના જાણીતા એડવોકેટ કિરીટ જોષી સ્થાનિક ટાઉન હોલ સામે જયોત ટાવરમાં આવેલી તેમની ઓફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે જાહેરમાં જ બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી તેમની કમકમાટીભરી હત્યા કરી નાંખી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, જામગરના બિલ્ડર અને જમીન લે વેચનું મોટાપાયે કામ કરતા જયેશ પટેલ (રાણપરીયા) એ રૂ.50 લાખની સોપારી આપી આ મર્ડર કરાવ્યું હતું. કારણ કે, કરોડોની જમીન પચાવી પાડવાના કેસોમાં એડવોકેટ કિરીટ જોષી આડખીલીરૂપ બનતા હતા, તેથી તેમનું કાસળકાઢી નાંખવામાં આવ્યું. હાલતો જામનગરમાં ફરી ચર્ચાએ ફરી જોર પકડ્યું છે