જામનગરના ASI ‘હમીદ પરિયાણી’ અને રાજકોટ SOG ના ASI ‘પરવેઝ સમા’ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

0
3672

જામનગરમાં એસીબીની સફળ ટ્રેપ: બે ASI  લાંચ લેતા ઝડપાયા: 35 હજારની લાંચ લેતા ACB ત્રાટકી

  • ઢોર ઇન્જેકશન કેસમાં નામ કાઢી નાખવા લાંચ માંગી : પોલીસબેડામાં ચકચાર
  • રાજકોટ ગ્રામ્ય SOG ના ASI પરવેઝ શમા અને જામનગર ઉદ્યોગનગર ચોકીના ASI હમીદ જુસબ પરીયાણી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૮. જાન્યુઆરી ૨૩ જામનગરમાં વાર્ષિક ઇન્સપેકશન માટે આઇજીએ બે દિવસથી અહીં પડાવ નાખ્યો છે ત્યારે મોડી રાત્રીના જામનગર જુના જકાતનાકા પાસે બે પોલીસ જમાદાર રૂ. 35 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ સપડાતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઢોરને આપવાના ઇન્જેકશન ગુનામાંથી નામ કાઢી નાખવાના અવેજ પેટે લાંચની માંગણી કરવામાં આવી હતી.

મળતી વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય એસઓજીના એએસઆઇ પરવેઝ શમાએ ફરીયાદીને ધોરાજીમાં પકડાયેલ ઢોરને આપવાના ઇન્જેકશનના ગુનામાં તેની સંડોવણી છે પણ તે ગુનામાથી તેનું નામ કાઢી નાખવાના અવેજ પેટે આ કામના ફરીયાદી પાસે રૂ. 50 હજાર લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂ. 35 હજાર આપવાનું નકકી થયુ હતું, પરવેઝ જણાવે ત્યારે તે જગ્યાએ પોતાને કે પોતે જે વ્યકિતનું નામ આપે તેને લાંચની રકમ આપી દેવા વાયદો કર્યો હતો.
દરમ્યાન લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય આથી જામનગર એસીબી ખાતે આવીને પોતાની ફરીયાદ જાહેર કરી હતી, જે ફરીયાદના આધારે જામનગર એસીબીની ટુકડીએ ગઇ મોડી સાંજે અહીંના જુના જકાતનાકા કેશવ હોટલ પાસેના જાહેર રોડ પર છટકુ ગોઠવ્યુ હતું.

દરમ્યાનમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીના એએસઆઇ પરવેઝ શમાએ ફરીયાદી સાથે મોબાઇલ ફોન પર હેતુલક્ષી વાતચીત કરીને જામનગર ઉધોગચોકીના એએસઆઇ પરીયાણીને લાંચની રકમ આપી દેવા જણાવ્યુ હતું, જે વાત અનુસાર જામનગર સીટી-સી ડીવીઝન હેઠળના ઉધોગનગર પોલીસ ચોકીના એએસઆઇ હમીદ જુસબ પરીયાણીએ પંચની હાજરીમાં આ કામના ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી સ્વીકારીને શમાને લાંચની રકમ મળી ગયા અંગેની જાણ કરી હતી, દરમ્યાનમાં એકબીજાએ મદદગારી આચરી હતી, આ વખતે જામનગર એસીબીની ટુકડીએ પરીયાણીને રૂ. 35 હજારની લાંચ સાથે લાંચ લેતા રંગેહાથ પકડી પાડયો હતો.

આરોપી હમીદ પરીયાણીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી પરવેઝ શમાને રાજકોટ શહેર ખાતેથી ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ મારફતે ડીટેઇન કરી આગળની તજવીજ હાથ ધરી હતી, બે એએસઆઇ લાંચના છટકામાં ઝડપાતા પોલીસબેડા સહિતમાં ચકચાર મચી જવા પામી હતી.

રાજકોટ એકમ એસીબીના મદદનીશ નિયામક વી.કે. પંડયાના સુપરવિઝન હેઠળ ઉપરોકત કાર્યવાહી જામનગર એસીબીના સુશ્રી પીઆઇ એન.આર. ગોહેલ અને જામનગર સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. તાજેતરમાં જ જામનગર એસીબી ખાતે નિયુકત થયેલ પીઆઇ સુશ્રી એન.આર. ગોહેલ દ્વારા આવી કોઇ લાંચ બાબતની ફરીયાદ હોય તો આમ જનતાએ એસીબીનો તેમજ તેમના મોબાઇલ નં. 99247 59591નો સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે જેથી લાંચીયાઓને ખુલ્લા પાડી શકાય, દરમ્યાનમાં પકડાયેલા બંને લાંચીયા એએસઆઇને કોર્ટમાં રજુ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.